17 સપ્ટેમ્બરે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત વિવિધ પ્રશ્નોને લઈને નાયબ કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન પર ઉતરશે

17 સપ્ટેમ્બર શનિવારે સવારે 11 વાગે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત થરાદ મતવિસ્તારના વિવિધ 10 જેટલા પ્રશ્નોને લઈને નાયબ કલેક્ટર કચેરીએ ઉપવાસ આંદોલન પર ઉતરશે તેવો પત્ર વાયરલ થયો.
થરાદ વિધાનસભાના 97 ગામોનો કમાન્ડ એરિયામાં સમાવેશ કરી, ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં આપવુ, થરાદ વિધાનસભાના રસ્તા કાચામાંથી પાકા બનાવવા, નાગલા, ડોડગામ અને ખાનપુર ગામોના પુનઃવસન અને પાણી નિકાલ, મુખ્ય કેનાલમાંથી પાણી લીકેજ થવાના લીધે ભડોદરા, ભાપી, વામી ગામોમાં થતું નુકસાન અટકાવવા તથા ખેડૂતોને થયેલ નુકસાનનું પાંચ વર્ષનું વળતર ચૂકવવુ, થરાદ વિધાનસભાની સુજલામ- સુકલામ કેનાલમાં બારે માસ પાણી આપવા તથા કેનાલ લંબાવવા રજૂઆત કરાશે.
ગુજરાત સરકારની જાહેરાત બાદ 500 કરોડ ગૌ શાળા અને પાંજરાપોળોને ચુકવવા, જમીન રિસર્વે કાયદો રદ કરવામાં આવે તથા અરજીઓનો તત્કાલ ઉકેલ કરવામાં આવે અને ઘર વિહોણા પરીવારોને રહેઠાણ માટેના પ્લોટ આપવા, દલીત સમાજની 38 ગામોમાં સ્મશાનભુમી નીમ કરી આપવી ઉપરાંત થરાદ રેફરલ હોસ્પીટલના આધુનીકરણ કરવા જેવા અનેક લોકહિતના થરાદ મતવિસ્તારના વિવિધ 10 જેટલા પ્રશ્નોને આવરી લઈ 17 સપ્ટેમ્બર શનિવારે સવારે 11 વાગે નાયબ કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન પર ઉતરશે. જ્યાં સુધી પ્રશ્નોનું ઉકેલ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ પર રહેશે તેવો પત્ર વાયરલ થયો.