કોંગ્રેસે કર્યું નવતર વિરોધ: અંજારમાં નગરપાલિકા હસ્તકનું સ્ટેડિયમ તળાવમાં ફેરવતા સૂચક રીતે વધાવ્યું


અંજાર સુધારાઈ સંચાલિત રમત ગમત માટેના સ્ટેડિયમમાં વરસાદના પાણી ભરાઈ જતા તળાવ જેવા દ્રષ્યો સર્જાયા છે. તેથી સ્ટેડિયમની હાલત પ્રત્યે તંત્રનું ધ્યાન ખેંચવા કોંગેસ પક્ષના કાર્યકરો દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો. મેદાનમાં વાજતે ગાજતે પહોંચી અંદર ભરાયેલા વરસાદી પાણીને વધાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. કોંગ્રેસી આગેવાનોએ સત્તાપક્ષ સામે આક્ષેપ કરતાં કહ્યું હતું કે લોકોના કરવેરાથી બનાવાયેલા રમતના મેદાનની જાળવણીના અભાવથી બદતર હાલત થઈ છે. શહેરની પ્રજા અનેક પ્રશ્ને હાલાકી ભોગવે છે અને પદાધિકારીઓ બહાર ફરવામાં મશગુલ બન્યા છે.
અંજાર શહેર કોંગ્રેસ લઘુમતી વિભાગ દ્વારા નગરપાલિકા હસ્તકના સ્ટેડિયમ મધ્યે પહોંચી મેદાનમાં કુદરતી તળાવને વધાવાયુ. આ સમયે અંજાર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશ દરજી, વિરોધપક્ષ નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજા, લઘુમતી વિભાગના પ્રમુખ મામદશા ભાખરશા શેખ , શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ નારણ મારું , અકબરશા શેખ , અંજાર મંત્રી કાંતિભાઈ આદિવાલ, સંજયભાઈ જાદવ, રોહિતભાઈ પ્રજાપતી, અભિષેક પંડ્યા,કચ્છ જીલ્લા કોંગ્રેસ લઘુમતી વિભાગના ઉપપ્રમુખ હનીફશા શેખ, તથા અન્ય કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.