લખતર પાસે સ્ટેટ હાઇવે ઉપર પડેલા ખાડાના લીધે વાહનચાલકોને ભારે હાલાકી


ચોમાસા એ વિરામ લીધો તે દરમ્યાન સરકાર દ્વારા તંત્રને તાત્કાલિક પળે રોડ ઉપર પડેલા ખાડાઓ નક્કર કાર્યવાહી કરી પૂરવા આદેશ આપવામાં આવ્યો હતો. તેથી તંત્રના અધિકારીઓએ આદેશ તો માન્યું પરંતુ લખતર પાસે સ્ટેટ હાઈવેના ખાડા જેમ તેમ માત્ર ચોપડે દેખાડવાના આશયથી પૂર્યા હતા. જે લખતરમાં પડેલ એક જ વરસાદમાં ધોવાઈ ગયા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હજુ ખાડાઓ તો તંત્ર દ્વારા સરખી રીતે પુરવામાં આવ્યા નથી.
ત્યારે ભર ચોમાસે પાઇપ લાઇન નાંખવા સ્ટેટ હાઇવે ખોદવામાં આવતાં આ રસ્તે પસાર થતા વાહનચાલકોને અતિભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો આ જગ્યા ઉપર વાહનો ખુંચી જવાની ઘટનાઓ પણ બનવાની શરૂ થઈ ગઈ છે. તેમ છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવો ઘાટ દેખાયા છે. તો ચોમાસામાં રોડ ખોદવાના કામ શરૂ કરવામાં આવ્યા હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે. ત્યારે તાત્કાલિકપણે સ્ટેટ હાઇવે ઉપર નક્કર કાર્યવાહી કરી ખાડાઓ પૂરવામાં આવે તેમજ રોડ ખોદયો છે ત્યાં વાહનોને ખૂચે નહિ તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.