માંગરોળ તાલુકાના નવાપરા રહેણાંક વિસ્તારમાં લાગી આગ

copy image

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. નવાપરામાં આવેલ ઝૂંપડપટ્ટીમાં એક બંધ ઘરમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ ઊભો થયો હતો. બનાવની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંગરોળ તાલુકાના નવાપરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગવાનો બનાવ બન્યો હતો. નવાપરા વિસ્તારમાં આવેલ જમાઈ નગરી ઝૂંપડપટ્ટીમાં એક બંધ ઘરમાં અચાનક આગ લાગી  ગઈ હતી. આ વિસ્તાર ભરચક હોવાટી અને તે જ વિસ્તારમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બંધ ઘરમાં મોટી માત્રામાં બળતણ માટે લાકડાઓ મુકેલા હોવાટી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ ફાયર વિભાગની ટીમને કરાતા સુમીલોન, કામરેજ તેમજ ટોરેન્ટ પાવરના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

ઘરની આજુબાજુમાં જગ્યા ઓછી હોવાથી ફાયર વિભાગની ટીમને ભારે પરેશાની થઈ હતી. ફાયરની ટીમેં જે ઘરમાં આગ લાગી હતી તેની આસપાસના ઘરો તાત્કાલિક ખાલી કરાવ્યા અને ઘરની દીવાલ તોડી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આગના આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. બંધ ઘરમાં આગ લાગી હોવાથી કોઈ વધુ નુકશાન પણ થવા પામ્યું ન હતું.