દ્વારકા હાઈવે પર અકસ્માત : કાર પલટી મારી જતાં, એકનું મોત, બે ઇજાગ્રસ્ત


દ્વારકા પાસે ગઈકાલે બપોરે અર્ટિગા મોટરકાર એક પુલ પાસે અથડાતા સર્જાયેલો અકસ્માત જીવલેણ નિવડ્યો. જેમાં સાણંદના 22 વર્ષના યુવાનનું મોત થયું હતું. આ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી માહિતી અનુસાર દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર રૂપેણ બંદર વિસ્તારમાં એક આર્ટિગા કાર લઈને જઈ રહેલા અમદાવાદના સોલા-બોપલ વિસ્તારમાં રહેતા રોહન અશોકજી પરમાર નામના યુવકે પુર ઝડપે જતી કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત થયો હતો. આ કાર રોડ પરના ડિવાઈડર સાથે ધડાકાભેર ટક્કરાઈ ગયા બાદ પલટી મારી ગઈ હતી.
આ ગંભીર અકસ્માતમાં કારમાં જઈ રહેલા અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે રહેતા અજયસિંહ અશોકસિંહ ઝાલા નામના 22 વર્ષના યુવકને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ પહોચતા તેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ જાહેર કર્યો હતો.
આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા જતીનકુમાર તથા અજયસિંહ ઠાકોર ગામના બે યુવકને પણ ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોચતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વિષે બોપલ-સોલા મધ્યે રહેતાં વિજયભાઈ વિસાજી ઠાકોર (ઉ.વ. 27)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે કારના ચાલક રોહન અશોકજી પરમાર સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ અનુસાર ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.