ગાંધીધામ શહેરમાં આરતી હોટેલ પાસે હુક્કાબાર પોલીસની ઝપટે


ગાંધીધામ શહેરમાં આરતી હોટેલ પાસે ક્રિષ્ના ભવન બિલ્ડિંગમાં હોટેલના મેનેજર સંચાલિત હુક્કાબાર ઉપર એસ.ઓ.જી.એ છાપો માર્યો. અહીંથી હુક્કાબારના સાધનો, રોકડ રકમ તથા મોબાઇલ સહિત રૂા. 2,43,640ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમની અટક કરાઈ હતી, જ્યારે હોટેલના બે મેનેજર હાથમાં આવ્યા હતા નહિ.
શહેરમાં ડી.પી.એ. પ્રશાસનિક કચેરી સામે હોટેલ આરતીની બાજુમાં આવેલ ક્રિષ્ના ભવન બિલ્ડિંગમાં પોલીસે ગતરાત્રે છાપો માર્યો. આ ઇમારતમાં કશિશ શિપિંગની ઉપરના ભાગે આવેલા હોલમાં હુક્કાબાર ધમધમી રહ્યો હતો. છેલ્લા 6 મહિનાથી ધમધમતા આ બાર વિશે સ્થાનિક પોલીસ અંધારામાં હતી કે શું તે સવાલ છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને અહીં એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી કરાઈ હતી . આ બાર વિશે કોઇ પાસેથી પરવાનગી મેળવી ન હતી. તેમજ નીતિ-નિયમોને નેવે મૂકી આ બાર અહીં ધમધમી રહ્યો હતો. અહીંથી પોલીસે હુક્કાબારનું સંચાલન કરનારા ઇરફાન ખુશીયલ ખાન, કામ કરનારા અહેમદ કલામ ખાન તથા ફરમાન ખાન ખુશીપલ ખાનની અટકાયત કરી હતી. ઇરફાન છેલ્લા 6 મહિનાથી અહીં આરતી હોટેલના મેનેજર અખિલેશ તથા બીજા મેનેજર જગદીશ ઉર્ફે જગુ પાસે નોકરી કરી તેમના કહેવાથી આ હુક્કાબાર ચલાવતો. આ બંને મેનેજર પોલીસ કાર્યવાહી દરમિયાન હાજર મળ્યા હતા નહિ.
પોલીસે અહીં તપાસ હાથ ધરતાં પાંચ ચાલુ હુક્કા ઉપર સુમિત રાધન પૌલ, વિશાલ કિશનસિંઘ ખાલસા, આશિષ અમર બજાજ, યશવંત ગોવિંદ પટેલ, હર્ષિલ પ્રકાશ ઠક્કર, ગુંજન દિનેશ જોશી, અભિનવ રાજકુમાર ગોયલ, રાહુલ હરેશ જેસવાણી, અશુલ સુરેશકુમાર ગુપ્તા, અક્ષય સુરેશ અગ્રવાલ, નિશાંત જયકિશન કેવલરામાણી, વૈભવ ગોપાલ અગ્રવાલ, યોગેશ દયાલદાસ તેજવાણી, આદિત્ય સત્યનારાયણ ગુપ્તા નામના યુવકો હુક્કો પી રહ્યા હતા, જેને પોલીસે બંધ કરાવ્યા. પોલીસે રોકડ રૂા. 63,570 તથા મોબાઇલ એમ કુલ રૂા. 2,43,640નો મુદ્દામાલ એસ.ઓ.જી.ની ટીમે કબ્જે કર્યો હતો.