આણંદના અજરપુરા પાસે સામાનની આડમાં છુપાવેલો 10 લાખનો દારૂ પકડાયો

copy image

આણંદ ગ્રામ્ય પોલીસે અજરપુરા ગામની સીમમાં બાતમીનાં આધારે વોચ ગોઠવી મિની ટ્રકમાં સામાનની આડમાં લઇ જવાતો 10 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.  તે સમયે બે બાઇક ચાલક પાયલોટીંગ કરતા હતા આમ છતાં પોલીસે ઝડપી પાડ્યાં હતાં. આ વિશે પોલીસે વિદેશી દારૂ, મિનીટ્રક, બાઇક સહિત કુલ રૂ.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આણંદ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, અજરપુરા સીમમાં વિદેશી દારૂ ભરેલી આઇસર ગાડી આવવાની છે. પોલીસ અજરપુરા સીમમાં પહોંચી ત્યારે પોલીસને જોઈને ત્યાં હાજર સખ્શો નાસી ગયા હતા.
આણંદ રૂરલ પોલીસે આઇસર ગાડીના પાછળના ભાગમાં તપાસ કરતા સામાનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે દારૂની ગણતરી કરતા 6 હજાર 576 નંગ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા 6 લાખ 97 હજાર 600, વ્હીસ્કીની બોટલો 2 હજાર 256 નંગ કિંમત રૂપિયા 2 લાખ 25 હજાર 600, અન્ય વિદેશી દારૂની બોટલો 336 નંગ કિંમત રૂપિયા 1.34 લાખ અને બિયરના ટીન 432 નંગ કિંમત રૂપિયા 43 હજાર 200 મળ્યા હતા. આ વિદેશી દારૂ અને બીયરની કુલ કિંમત 10 લાખ 60 હજાર 600 છે.

આણંદ રૂરલ પોલીસે તપાસ કરતા સ્થળ ઉપરથી કોઈ ઈસમ મળ્યો ન હતો, જેથી પોલીસે સ્થળ ઉપરથી આઇસર ગાડી, વિદેશી દારૂનો જથ્થો, બિયરના ટીન અને બે બાઈક મળી કુલ 24 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગાડીના નંબર અને બાઈકના નંબરોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદ રૂરલ પોલીસે પ્રોહીબિશનની જુદી-જુદી કલમો તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.