એસટી કર્મીઓએ 22મી મધરાતથી બસો થંભાવી દેવાની ચીમકી આપી


એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સામે પોતાની વિવિધ માગણીને લઈને ફરી એક વખત આંદોલનનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. કર્મચારીઓ અનુસાર 1997થી નાઈટ આઉટમાં બસ લઈને જતા ડ્રાઇવર-કંડક્ટરને માત્ર 10 રૂપિયા એલાઉન્સ આપવામાં આવે છે, જે વધારીને 100 રૂપિયા કરવાની માંગણી કરવામાં આવી છે. આ સાથે ગ્રેડ પે, એચઆરએ તેમજ મોંઘવારી ભથ્થા સહિતના પ્રશ્નોનો રાજ્ય સરકાર દ્વારા નિરાકરણ નહીં લવાય તો 22મીએ મધરાત્રીથી રાજ્યની 8500 બસનાં પૈડાં થંભાવી દેવાની ચીમકી અપાઈ છે.
એસટી કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી અશોક કાછિયાના જણાવ્યા અનુસાર, સંકલન સમિતિ અને મજદૂર સંગઠન સહિતનાં યુનિયનો દ્વારા પૂર્વે કરેલા આંદોલનમાં સરકાર દ્વારા સાતમો પગાર પંચ માન્ય રાખી તેના 3 ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે એચઆરએ જૂના પગાર અનુસાર આપે છે.
સરકાર દ્વારા પાર્ટ ટાઈમ ઉપરાંત રજાના પગાર સહિતના પ્રશ્નોનો પણ નિકાલ લાવવો જોઈએ. શનિવારથી કાળી પટ્ટી બાંધીને વિરોધ કરાશે. શુક્રવારે સોશિયલ મીડિયા દ્વારા વિરોધ કરાયો હતો.