રાજકોટમાં NSUIના કાર્યકરો દ્વારા ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કરાયા પોલીસે કરી અટકાયત


આજે ગુજરાતમાં NSUI દ્વારા બેરોજગાર દિવસની ઉજવણી કરી વિરોધ કરવામાં આવ્યો હતો . ત્યારે રાજકોટમાં આજે કિશાનપરા ચોક મધ્યે NSUIના મોટી સંખ્યામાં કાર્યકરો એક્ઠા થયા હતા અને ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શિત કરતા NSUIના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ કરી હતી.
NSUIના જણાવ્યા અનુસાર એન્જિનિયર, Ph.D સુધી અભ્યાસ કરેલા શિક્ષિત યુવકો પટ્ટાવાળા જેવી પરીક્ષામાં ફોર્મ ભર્યા છે. વર્ગ 4 અને વર્ગ 3ની નોકરી કરવા માટે તૈયાર છે. દિશા વિહીન સરકારની નીતિએ બેકારીની સ્થિતિને વિનાશકારી વળાંક પર ઊભી કરી દેવાઈ છે. સરકારની આ યોજના વિનાનીની નીતિઓને કારણે કેન્દ્ર સરકારમાં 10 લાખ પદ ખાલી છે. જે કુલ મંજૂર પદોના 24 ટકા છે. જે ગંભીર સમસ્યા છે. 20થી 24 વર્ષના 42 ટકા યુવકો હજુ નોકરીની શોધમાં છે. આવી જ રીતે દેશની સુરક્ષા કરવા માંગતા યુવાનો માટે અગ્નિપથ જેવી હંગામી યોજનાઓ લાવી યુવાનો સાથે અને યુવાનોના દેશની સેવા કરવાના સપના સાથે ખિલવાડ કરે છે.
વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની જોબમાં સિક્યોરિટી કે પેન્શન યોજના જોવા નથી મળતી. અત્યારે કોન્ટ્રેક્ટ બેઝ અગ્નિવીર યોજના લાવવામાં આવી આગળ જતા પોલીસવીર, બેન્કર વીર, શિક્ષક વીર, પ્રોફેસર વીર જેવી અનેક યોજના લાવવાની સંભાવના રહેલી છે. દેશના યુવાનોને મન કી બાત નહીં રોજગારીની જરૂર છે. જેના સંદર્ભમાં આજે દેશની વધતી બેરોજગારીને લઇને આજે બેરોજગાર દિવસ ઉજવવામાં આવ્યો.