ગોંડલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ: કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા


ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી બંધારણની સમાન કામ સમાન વેતનની જોગવાઇનું ઉલ્લંઘન કરી અગિયાર માસ કરાર આધારીત કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ પગાર જેવી નીતિઓ દ્વારા લાખો યુવાનોનું શોષણ કરાઈ રહ્યું છે. આ શોષણભરી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારી નીતિઓ નાબુદ કરી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવાની અનેકવાર રજૂઆત કરાઈ છે. સરકાર દ્વારા કોઇ હકારાત્મક કાર્યવાહી કરવામાં નથી આવી.
કર્મચારીના હક અને અધિકારો માટે લડત ચલાવતો ”ગુજરાત જનતા જાગૃતિ મંચ” દ્વારા ગુજરાત સરકારની શોષણભરી નીતિઓના વિરોધમાં આજે તા.17 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરાઈ છે. જેનો ગોંડલ શહેર અને તાલુકાના આઉટસોર્સ કર્મચારી, સેવક, ડ્રાઇવર તથા સફાઇ કર્મચારીઓએ ટેકો જાહેર કર્યો તેમજ કર્મચારીઓ હડતાળમાં પણ જોડાશે. કામદારો કામગીરી બંધ કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે.