ગટર સમસ્યા ઉકેલવામાં નગરપાલિકા થઈ સરેઆમ નાકામ

ભુજ શહેરમાં ખેંગાર પાર્કની પાછળથી ગાયત્રી મંદિર તરફ જતા રોડ પાસે ગટરની લાઈન બેસી ગઈ હતી, જેથી 30 થી 36 મીટર સુધી લાંબો માર્ગ ખોદવો પડ્યો છે, જેમાં સી.સી. રોડ ઉપર ડામર પથરાયેલું હતું, જેથી ખોદકામ દરમિયાન આખો રોડ ધબાય નમ: થઈ ગયો હતો અને સામેના રોડમાં રકાબી જેવો આકાર થઈ ગયો છે, જેથી સમગ્ર માર્ગ ખતરનાક સાબિત થાય એમ છે.
ભુજ શહેરમાં ભૂકંપ બાદ પુન:વસનની કામગીરી દરમિયાન જી.યુ.ડી.સી.એ. ગટરની લાઈનો પાથરી હતી. જેને દોઢથી બે દાયકા જેટલો સમય થવા આવ્યો છે. બીજી તરફ એ દોઢ બે દાયકા દરમિયાન ગટરની લાઈન ઉપર ક્ષમતાથી વધુ દબાણ આવવા લાગ્યું છે અને જી.યુ.ડી.સી.એ. નગરપાલિકા સાથે સંકલન સાધી કામ કર્યું નથી, જેથી અનેક ખામીઓ રહી ગઈ છે.
પરિણામે અવારનવાર ગટરની લાઈન બેસી જાય છે અને રોડ ખોદવાની નોબત આવે છે. જે બાદ માટી દાબીને રોડ બનતા નથી. ઉપર સિમેન્ટ અથવા ડામર નાખી દેવાય છે, જેથી રોડમાં પોલાણ સર્જાતા ભૂવા પડે છે. એવું જ ખેંગારપાર્ક પાછળ ગાયત્રી મંદિર સુધી જતા રોડમાં થયું છે.