કાસેઝ પાસે 3 ટાંકા, 14 ટેન્કરમાંથી 2.65 કરોડનું બાયોડીઝલ કબ્જે

copy image

ગાંધીધામથી કંડલા ફ્રી ટ્રેડ ઝોન તરફ જતા સર્વિસ રોડ પર 1 વર્ષ પહેલાં મામલતદારે સીલ કરેલા હોવા છતાં ત્રણ મહાકાય ટાંકાઓમાંથી ટેન્કરો વડે બિન્દાસ્ત થતા બેઝ ઓઇલના કારોબાર ઉપર અંજાર વિભાગના ડીવાયએસપીએ એસઓજીને સાથે રાખી રૂ.2.65 કરોડના બેઝ ઓઇલ સાથે ત્રણ સખ્શોને ઝડપી કાયદેસર કાર્યવાહી કરતાં ઓઇલ માફિયાઓમાં ફફડાટ મચ્યો છે.

અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કંડલા ફ્રી ટ્રેડ ઝોન થી ગાંધીધામ તરફ જતા સર્વિસ રોડ પર આવેલા સદ્દગુરૂ વે બ્રીજ પાછળના ભાગે આવેલા આર.પી.કે. વેર હાઉસિંગ પ્રા.લિ. ના કમ્પાઉન્ડમાં લોખંડના મોટા ટાંકા આવેલા છે તે ટાંકાઓમાં બેઝ ઓઇલનો જથ્થો સંગ્રહ કરી સપ્લાય કરાતો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીની ટીમ સહિત ત્યા દરોડો પાડી કોઇ પણ લાયસન્સ કે એનઓસી વિના બેઝ ઓઇલનો કારોબાર થતો હોવાનું જાણવા મળ્યું.

પોલીસે ત્રણ ટાંકા અને 14 ટેન્કરોમાં રૂ.2,65,23,278 ની કિંમતના 5,76,593 લીટર બેઝ ઓઇલના જથ્થા સાથે મુળ રાજસ્થાનના હાલે ગળપાદર રહેતા રાધેશ્યામ ગોરધનદાસ ગૌર, પાલી રાજસ્થાનના હાલે સેક્ટર-7 મા઼ રહેતા શેશારામ ઘીસારામ મોબારશા અને કિડાણા શિવધારા સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર મહેન્દ્ર યાદવને ઝડપી લઇ 14 ટેન્કરો અને મોબાઇલ સહિત રૂ.5,47,28,278 નો મુદ્દામાલ જપ્ત કરી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ડીવાયએસપી સાથે પીઆઇ એસ.એન.ગડ્ડુ, અને એસઓજી સ્ટાફ જોડાયો હતો.

એસઓજીએ બેઝ ઓઇલના કાળા કારોબાર પર દરોડો પાડી પકડેલા ત્રણ આરોપી પૈકી રાધેશ્યામ ગોરધનરામ ગૌરે જણાવ્યું હતું કે ત્રણ ટેન્ક પેકી 101 નંબરની ટેન્ક 1 વર્ષ પૂર્વે ગાંધીધામ મામલતદારે સીલ કરી જ્યારે 102 નંબરની ટેન્ક હરિયાણાના સચિન ગોયલે ભાડા કરાર ઉપર રાખી હોવાનું જણાવાયુ હતું.

આજે અંજાર વિભાગના ડીવાયએસપીએ એસઓજી સાથે મળી દરોડો પાડી બેઝ ઓઇલનો કાળો કારોબાર મામલતદારે સીલ માર્યું હોવા છતાં પણ આ ધંધો ચાલુ હોવાનું બહાર આવ્યું, તો કસ્ટમ અધીકારીની સહી સહિત સ્પીરીડોક્સ નામની પ્રોડક્ટ બતાવી રોજની 15 થી 20 ગાડીઓ નીકળતી હોવાની ફરિયાદો પહેલા અનેક વખત ઉઠી છે. કસ્ટમના કોડ2701 માં સ્પીરીડોક્સ લખેલું હોય તે પ્રોડક્ટનું નામ કસ્ટમની ટેરીફમાં પણ ક્યાંય નથી તો આ કાળા કારોબાર ઉપર કડક કાર્યવાહી કરવાની જરરૂર છે.

ત્રણ મોટી ટેન્ક અને 14 ટેન્કરો વડે ગેરકાયદેસર રીતે બેઝ ઓઇલનો કાળોકારોબાર સામે આવ્યો છે પણ સવાલ એ છે કે ત્રણ પકડાયેલા તો સંચાલક છે પણ મુખ્ય સૂત્રધારો ક્યારે પકડાશે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન છે.