હિલગાર્ડનમાં ઝાડ પર ફાંસો ખાઇ યુવતીએ કરી આત્મહત્યા

માંડવી તાલુકાના મોટા આસંબીયા ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી કોઇને કહ્યા વીના શુક્રવારે રાત્રે ઘરેથી નીકળી ગઇ હતી. આ દરમિયાન શનિવારે બપોરે ભુજ હિલગાર્ડનમાં ઝાડ પર ટૂંપો ખાધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી છે. એ ડિવિઝન પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર મોટા આસંબીયા ગામમાં રહેતી 19 વર્ષની કમળાબેન ધરમશીભાઇ મહેશ્વરી નામની યુવતી શુક્રવારે રાત્રીના ભાગે અચાનક ગુમ થઇ હતી. બીજી બાજુ હતભાગી યુવતીના ભાઇને તાવ આવતો હોવાના કારણે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાથી મૃતક યુવતીના પિતા ભુજ જી.કે.માં પુત્ર પાસે હતા. આ દરમિયાન કમળાબેન ઘરેથી ગુમ થયા અંગે ધરમશીભાઇને તેના ભાઇએ જાણ કરી હતી. જેથી યુવતીના પિતાને ભુજથી મોટા આસંબીયા બોલાવીને સૌ પરિવારજનો કમળાબેનની શોધ માટે લાગ્યાં હતા.

શોધને અંતે શનિવારે માંડવી પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવવા જઈ રહ્યા હતા તે દરમિયાન ભુજ એ ડિવિઝન પોલીસે કમળાબેનના પિતાને જાણ કરી કે, તમારી દિકરીએ બપોરના અઢીથી ત્રણ વાગ્યાના સમયગાળામાં ભુજના હિલગાર્ડનમાં આવેલા ઝાડ પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધું છે છે. જેથી તાત્કાલીક મૃતક યુવતીના પરિવારજનો ભુજ આવી જતાં પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી. એ ડિવિઝન પોલીસને બનાવ સબંધિત હિલગાર્ડનમાં રહેલા વ્યક્તિએ જાણ કરી હતી. પોલીસને સ્થળ પરથી મૃતક યુવતી પાસેથી આધાર કાર્ડ સહિતના કાગળો મળી આવતાં પોલીસે મોટા આસંબીયા રહેતા મૃતકના પરિવારજનોએ જાણ કરી. હાલ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.