ભીમાસર (ચ) માં 2 લાખના CPU તેલ સાથે 1 ઈસમ ઝડપાયો

અંજાર તાલુકાના ભીમાસર (ચ) ગામની સીમમાં બાવળોની ઝાડી માંથી રૂ. 2 લાખના CPU તેલના જથ્થા સાથે એક આરોપી મળી આવ્યો. જેથી પુછપરછ દરમિયાન અન્ય આરોપીનું નામ ખુલતા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભીમાસર ગામની સીમમાં આવેલી કારગીલ કંપનીની સામે હોટલ રાધાકૃષ્ણની પાછળ આવેલી બાવળોની ઝાડીમાં ચોરી કે છળકપટથી CPU તેલનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે અંજાર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
જ્યાં મૂળ રાજસ્થાનના અને હાલે ભીમાસર ખાતે રહેતો આરોપી હનુમાનરામ પીરારામ ગોદારા (ચૌધરી) ના કબ્જા માંથી CPU તેલ ભરેલા 35 લીટરની ક્ષમતા વાળા 58 કેરબા રૂ. 1,62,400 અને 20 લિટરની ક્ષમતાવાળા પ્લાસ્ટિકના CPU તેલ ભરેલા 29 કેરબા રૂ. 46,400 મળી કુલ રૂ. 2,08,800ની કિંમતનું CPU તેલ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ તેની પુછપરછ કરતા આ જથ્થો મીઠીરોહરના માવજીભાઈ બિજલ બાબરીયાએ આપ્યો હોવાનું કબુલતા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી