સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં 6માંથી 5 ધારાસભ્ય ગેરહાજર

ભુજમાં કલેક્ટર કચેરી મધ્યે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વરસાદી પાણીના નિકાલ, વીજળી, સ્ટાફ ઘટ સહિતના વિવિધ પ્રશ્નો ચર્ચાયા. શનિવારે કલેક્ટર કચેરીમાં મળેલી સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા હાજર રહ્યા ન હતા. સૂત્રોના કહેવા અનુસાર વડાપ્રધાનના જન્મદિવસે સેવાના નામે તાયફા કરીને યોજાયેલા વિવિધ કાર્યક્રમોને અનુલક્ષીને સત્તાપક્ષના ધારાસભ્યો વીરેન્દ્રસિંહ જાડેજા, વાસણભાઇ આહીર, માલતીબેન મહેશ્વરી પણ બેઠકમાં ગેરહાજર રહેતા 6માંથી માત્ર 1 જ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી મધ્યે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી, જેમાં જિલ્લાના વણઉકેલાયા પ્રશ્નો વિશે ઉપસ્થિત પદાધિકારીઓએ રજૂઆત કરાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ સંકલન બેઠકમાં ભુજ-નલિયા રોડ પર મંગવાણા ગામમાં ત્રણ રસ્તા પેટ્રોલ પંપની બાજુમાં ચોમાસા દરમિયાન પાણીના ભરાવાની સમસ્યા, નખત્રાણા તાલુકામાં વિદ્યાર્થીને લેવા માટે એસટી બસની સુવિધા, ખડીર વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચાડવાની કામગીરી અને ખડીર વિસ્તારના અમરાપરમાં 66 કેવી સબ સ્ટેશન મધ્યે સ્ટાફની ઘટ વગેરે પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ માતાના મઢમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા, પ્રધાનમંત્રી વીમા યોજના, સ્વામિત્વ યોજના, પરપ્રાંતીય ખેડૂતોના દસ્તાવેજની એન્ટ્રીને લગતા પ્રશ્નોની રજૂઆત કરી.

વર્માએ સીએમ પોર્ટલના પ્રશ્નો, લોક ફરિયાદની અરજીઓના ઉત્તર રજૂ કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજી રોશિયાએ અનુસૂચિત જાતિના વિવિધ સવાલોની રજૂઆત કરી, જે અંગે જિલ્લા વિકાસ અધિકારીએ હકારાત્મક અભિગમ દાખવી તાત્કાલિક ઉકેલ આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ડીડીઓએ બેઠકમાં રજૂ થયેલા સવાલોના તાત્કાલિક ઉકેલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું. બેઠકમાં નિવાસી અધિક કલેકટર મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ હજાર રહ્યા હતા.