ગાગોદરમા પેટા કેનાલના સાયફનના કામને ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે તે અગાઉ મંજૂર કરો

રાપર તાલુકાના ગાગોદર ગામ પાસેથી કચ્છ શાખા નહેરમાંથી નીકળતી ગાગોદર પેટા શાખા નહેરની સાંકળ 46.70 કિમી પર 1100 મીટરની લંબાઈનું કેનાલ સાયફન આવેલ છે. આ સાયફનના બંને છેડે ખાસ કરીને શરૂઆતમા આશરે 300 મીટર લંબાઈમાં કુદરતી રીતે ભૌગોલિક પરિસ્થિતિને કારણે માટી વારંવાર ધસી જવાથી પુરાણ થઈ જાય છે. આથી કેનાલ બિનઉપયોગી થઈ જાય છે.

જેને કારણે નર્મદાનું પાણી સાયફનમા પ્રવેશ કરી શકતું નથી. બહુલક્ષી આ યોજનામાં સાયફન પછીના આવતા ગામો જેવાકે ગાગોદર, ગોરાસર, રામપર, થોરિયાળી, કુંભારિયા, પેથાપર, ભીમદેવકા, ફુલપરા મણાબા, રાજસ્થલી,શિકારપૂર, વાંઢીયા, ચાંડ્રોડી, નારણસરી , નવાગામ, અમરાપર, હંજીયવાંઢ વિગેરે ગામોની હજારો એકર જમીનમાં નર્મદાના નીર પ્રવેશી શકતા નથી. જેને લઇને આ ગામોના લોકોમાં રોષની લાગણી પ્રસરી છે, અને તે સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે તેવી માંગ કરાઇ છે.

સાયફનના આ પેચીદા પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કાંતાબેન પરડવાએ સંસ્થાકીય રીતે ઉકેલ લાવવા પ્રયત્નો ચાલુ કર્યા છે. તેમણે આ અગાઉ ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી હતી. ચુંટણી હવે જ્યારે નજીક આવી રહી છે ત્યારે ફરીથી રૂબરૂ મળીને રજુઆત કરવા જતાં પહેલાં ખેડુત આગેવાનો તેમજ પીડિત ખેડુતોને મળીને રૂબરૂ સ્થળ પર સાંભળ્યા. ખેડુત આગેવાનોમાં ભાજપ નેતા અકબરભાઈ રાઉમા, આમ આદમીના નેતા બળવંતભાઈ રાજપુત, સાંયના સરપંચ મનસુખભાઈ પટેલ, કુંભારિયાના સરપંચ રણછોડભાઈ આહિર, આગેવાન નાગજીભાઈ ભરવાડે સાયફન બાબતે પોતાના મંતવ્યો જણાવ્યા હતા.

અને મોટાભાગના આગેવાનોના મતે આ કામની મંજુરી ચૂંટણી આચાર સંહિતા લાગુ પડે પહેલા મળી જાય તેવા પ્રયાસો કરવા જોઈએ તેવું માનવું હતું. આ પ્રસંગે રાજુભા જાડેજા, રામજીભાઇ રાવરીયા, કાળુભાઇ પટેલ , અણદાકાકા, હીરાભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. યોજનાના મૂળ ઉદ્દેશ સિદ્ધ કરવા નિવૃત્ત ઇજનેર છગનભાઈ પરડવાએ અપીલ કરી હતી.