શાંતિનગરમાં સગાઇ બાબતે પરિવાર- પાડોશીઓના ઘર પર 11 ઇસમોનો પથ્થરમારો

ભુજના સરપટ નાકા બહાર શાંતિનગર કુંભારવાસમાં રહેતી યુવતીના ઘરે ધારિયા સહિત ધસી આવેલા યુવકે યુવતીનો હાથ પકડી આની ક્યાંય સગાઇ કરી છે, જાનથી મારી નાખવાની પિતાને ધમકી આપી હતી.ઘટના સમયે દોડી આવેલા પાડોશીઓ સાથે ગાળા ગાળી કરી અન્ય દસ ઇસમો સાથે મળીને પથ્થર મારો કરવામાં આવતા પોલીસને બોલાવવામાં આવી હતી. જેથી એ ડિવિઝન પોલીસે 11 આરોપીઓ વિરૂધ રાયોટીંગનો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
કુંભારવાસમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવીંગ કરતા રમજુ મામદ કુંભારે શાંતિનગર સમાવાસમાં રહેતા હનીફ ઉર્ફે અપીયો સમા તેમજ અજાણ્યા દસ લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદીમાં જણાવ્યા અનુસાર આરોપી હનીફ ફરિયાદીની દિકરી પાછળ પડી ગયો હતો અને પૂર્વે થયેલી સગાઇ તોડાવી નાખી હતી. આરોપીએ ફરિયાદીની પુત્રીને ફોન પર મારી સાથે વાત કરજે તેમ કહ્યું હતું. વાત નહીં કરતો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી. રાત્રીના અગ્યાર વાગ્યે ફરિયાદી અને તેમનો પરિવાર ઘરમાં હતો ત્યારે આરોપી હનીફ ધારિયા સાથે ફરિયાદીના ઘરે આવી ગયો અને દરવાજાને લાત મારી ઘરમાં પ્રવેશી ફરિયાદીની દિકરીનો હાથ પકડીને ફરિયાદીને ધમકી આપી હતી. કે, તમારી પુત્રીની ક્યાય સગાઇ કરી છે તો, પતાવી નાખીશ તેવી ધમકી આપી ગાળા ગાળી કરતાં આસપાસના લોકો પહોચી આવ્યા હતા.
આરોપી ફરિયાદીના ઘર સામે મોટા અવાજે ગાળા ગાળી કરી રહ્યો હતો ત્યારે આરોપી સાથે અન્ય અજાણ્યા દસ ઇસમો આવી ગયા હતા તેમજ ફરિયાદીના પાડોશી સહિતનાઓ પર પથ્થર મારો કર્યો. પોલીસે આરોપી સામે છેડતીની કલમ ઉપરાંત અન્ય દસ ઈસમ સહિત અગ્યાર લોકો સામે રાયોટીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.