ભુજ અને અંજારમાં જાહેર માર્ગ પર રેલાતા ગટરના પાણીથી વ્યાપારીઓ અને રહેવાસીઓ પરેશાન

કચ્છ જિલ્લાના મથક ભુજ અને ઐતિહાસિક શહેર અંજાર ખાતે ગટર સમસ્યાથી લોકો હવે ત્રસ્ત થઈ ગયા છે. અવારનવાર સર્જાતી ગટર સમસ્યાથી લોકો રજૂઆતો કરતા પણ કંટાળી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભુજના હાર્દ સમાં અને વ્યાપારના કેન્દ્ર વોકળા ફળિયામાં વરસાદના પાણી બાદ શરૂ થયેલા ગટરના પાણી હવે બંધ થવાનું નામ નથી લઈ રહ્યા . બજારના જાહેર માર્ગો પર છેલ્લા ચાર દિવસથી અવિરત રેલાઇ રહેલા દુર્ગંધ મારતા પાણીથી વેપારીઓને ધંધામાં આડ અસર પહોંચી રહ્યાનું જાણવા મળ્યું છે
સ્થાનિક વેપારીઓએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, વારંવારની રજૂઆત છતાં એકનાએક જવાબો સેનિટેશન વિભાગ તરફથી મળી રહ્યું છે. પરંતુ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે ગ્રાહકો પણ દુકાને પહોંચી શકતા નથી. ત્યારે સમસ્યાનું નિરાકરણ થાય તેવી અમારી માગ છે.
અંજાર શહેરના વોર્ડ નંબર 1 માં આવતા મતિયા નગરમાં પણ ગટરની સમસ્યાથી લોકો પીડિત છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, સુધારાઈ દ્વારા તમામ વેરા વસુલવામાં આવતા હોવા છતાં નગરજનોને સુવિધાનો અભાવ પજવી રહ્યો છે. કાયમ રેલાતા દૂષિત પાણીથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. દવાનો વધારાનો ખર્ચ ભોગવવો પડે છે. રસ્તે ચાલવું અશક્ય બની ગયું છે. તેમ છતાં જાહેર આરોગ્ય તંત્ર રજૂઆતો સાંભળતું નથી. પ્રજા કરે તો શું કરે? એવા પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા હતા.