જામનગરમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારને 20 વર્ષની સજા
જામનગરની અદાલતે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી. આરોપીએ લગ્નની લાલચ આપી સગીરાને રાજસ્થાન લઇ જઇ અવારનવાર દુષ્કૃત્ય આચર્યું. જામનગરમાં રહેતા પરિવારની 15 વર્ષની સગીર પુત્રીને ગત તા.11-1-2021ના સિધ્ધરાજ ગેનાભાઇ પરમાર નામનો ઈસમ બપોરના ઘર પાસેથી રીક્ષામાં બેસાડી રાજસ્થાનના જોઘપુર લઇ ગયો. જયાં ત્રણેક મહિના સગીરાને પોતાની સાથે રાખી લગ્ન કરવાની લાલચ આપી તેણી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ એટલું જ નહીં સગીરાના ઘેર આવી તેણીની માતાની ગેરહાજરીમાં તેણી પર દુષ્કર્મ ગુજાર્યું અને ધમકી આપી કે આ બાબતે કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખીશ. દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી બની. બનાવ અંગેની તપાસમાં પોલીસે બંનેને ડીસા પાસેથી પકડી લીધા હતાં. બનાવ અંગે જામનગરની પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ સિધ્ધરાજ સામે ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ કર્યું.
આ કેસ જામનગરની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભારતીબેન વાદીની રજૂઆતો તથા પુરાવા, સાહેદોની જુબાની ધ્યાને લઇ ન્યાયાધીશ આરતીબેન વ્યાસે આરોપી સિધ્ધરાજને તકસીરવાન ઠેરવી પોકસોના ગુનામાં 20 વર્ષની સજા ફટકારી રૂ.10000 નો દંડ કર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 6 મહિનાની જેલની સજાનો હુકમ કર્યો.