કોડીનારમાં પૂરઝડપે આવતી ટ્રકે સ્કૂલ રિક્ષાને હડફેટે લેતા, એક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે મોત અન્ય 7 ઇજાગ્રસ્ત

copy image

કોડીનારમાં સોમનાથ હાઈવે ઉપર આવેલ અંબુજા કંપનીના ફાટક પાસે એક સ્કૂલ રિક્ષાને રોંગ સાઈડમાં પૂરઝડપે આવતા ટ્રકે હડફેટે લેતાં રિક્ષા પલટી ગઈ હતી. એ રિક્ષામાં બેસેલાં દસેક બાળકો ફંગોળાઈને પટકાઇ ગયા હતાં. જેમાં એક 15 વર્ષીય વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે રિક્ષાચાલક સહિત સાતેક બાળકોને નાની મોટી ઇજાઓ થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સ્થળ ઉપર લોકોનાં ટોળાં એકઠા થઈ ગયેલાં, ત્યારે વિદ્યાર્થિનીના મૃત્યુના સમાચાર જાણીને શહેર અને શાળા વર્તુળમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.

આ અકસ્માતની મળતી વિગતો અનુસાર કોડીનાર શહેરમાંથી બાળકોથી લઈને સ્કૂલ રિક્ષા સાતેક વાગ્યા આસપાસ સોમનાથ હાઈવે ઉપર અંબુજા કંપનીના ફાટક પાસેથી જતી  હતી તે સમયે રિક્ષા ટર્ન લઈ રહી હતી, ત્યારે રોંગ સાઈડમાંથી પૂર ઝડપે આવતી ટ્રકે સ્કૂલ રિક્ષાને અડફેટે લેતાં પલટી મારી જતાં તેમાં બેસેલ વિદ્યાર્થીઓ અને ચાલક ફંગોળાઈને રસ્તા ઉપર પટકાઈ ગયા હતા. આ સમયે આસપાસથી પસાર થતાં અન્ય વાહનચાલકોએ દોડી આવીને પ્રથમ સ્કૂલ રિક્ષાને ઊભી કરી તેમાં રહેલા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તુરંત નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. આ સમયે હરિતાબેન મહેન્દ્રભાઈ બારડ (ઉ.વ. 15) નામની વિધાર્થીનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

આ અકસ્માત સર્જનાર ટ્રકચાલક ઘટના સ્થળથી લગભગ 10 કિમી દુર પ્રાચી પાસે હાઇવે ઉપર ટ્રક છોડી પલાયન થઈ ગયો હોવાનું પોલીસના ધ્યાને આવતા ટ્રક ડ્રાઇવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાબતે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતમાં માસૂમ વિદ્યાર્થિનીના મૃત્યુના સમાચારથી શિક્ષણ જગત સાથે શહેરમાં ગમગીની પ્રસરી હતી.