મોબાઇલની દુકાનમાં તપાસ દરમિયાન 8 કરોડની GSTની ચોરી પકડાઇ


અલકાપુરી વિસ્તારમાં આવેલી આર.એ. લીંક નામની મોબાઇલ ફોનની દુકાનમાં જીએસટી દ્વારા સર્ચ કરતાં દરમિયાન કરોડો રૂપિયાની કર ચોરી જણાઇ આવતાં દુકાન માલિકની અટક કરવામાં આવી હતી. દુકાન માલિકને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં દુકાન માલિકને જેલમાં મોકલી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા વિન્ડસર પ્લાઝામાં આવેલી દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ સામાનનું વેંચાણ કરતી દુકાનમાં તપાસ દરમિયાન જીએસટીની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં જુના તેમજ નવા મોબાઇલ ફોન બીલ વિના જ વેચવામાં આવતાં હોવાનું બહાર આવ્યું હતું.
તપાસમાં 8.49 કરોડની જીએસટી ચોરી થઇ હોવાનું જણાતાં જીએસટી વિભાગે પુષ્પક હરીશ મખીજાનીની અટકાયત કરી હતી. આજે તેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવતાં સરકાર તરફેથી મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, પુષ્પક મખીજાની સામે કરોડોના જીએસટી ચોરીનો આરોપ છે. જો તેને મુક્ત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડા કરશે. ન્યાયાધીશે પુષ્પક મખીજાનીને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.