ભાવનગર શહેરમાં સૂટ શેરવાનીના વેપારી પાસે રૂ.10 લાખની ખંડણીની માંગ કરાઇ

ભાવનગર શહેરમાં રહેતા અને આંબાચોકમાં ‘દુલ્હા ફેશન’ નામની સૂટ-શેરવાનીની દુકાન ધરાવતા વેપારીને તેમના વિસ્તારમાં જ રહેતા સખ્શે મોબાઈલમાં ટેકનીક અજમાવી વેપારી પાસેથી રૂ.10 લાખની ખંડણી માંગ કરી રૂપિયા નહિ પહોંચાડાય તો તેમના દિકરાને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગંગાજળિયા તળાવ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

શહેરના ભીલવાડા સર્કલ, બીલાલ મસ્જિદની સામે અલમદીના સોસાયટી ટેનામેન્ટ નં.2માં રહેતા અને શેલારશા ચોક, સવાઈગરની શેરી, આંબાચોક મધ્યે દુલ્હા ફેશન નામની સૂટ-શેરવાનીની દુકાન ધરાવતા મહમદ રફીકભાઈ હારૂનભાઈ મુલતાનીના મોબાઈલમાં ભીલવાડા સર્કલમાં જ રહેતા સાજીદ ઉર્ફે બાપુ સીદીકમીયા સૈયદે કોઈ ટેકનીકથી વેપારીના મોબાઈલમાં તેનોજ મોબાઈલ નંબર આવે તેમજ તેના નંબરમાં તેની પત્નીનો મોબાઈલ બતાવે તેવી ટેકનીકથી વેપારીને વારંવાર ફોન કરી તે બહુ પૈસા ભેગા કરી લીધા છે તેથી મને પણ રૂ. દસલાખની ખંડણી આપી દેજે નહીં તો તેના દિકરાને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે ગંગાજળિયા તળાવ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.