આરોગ્ય કર્મચારીઓ બે દિવસની ભૂખ હડતાળ પર

copy image

આરોગ્ય કર્મચારીઓએ 45 દિવસની લડતના ભાગરૂપે બુધવારે ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. જેના ભાગરૂપે સેન્ટ્રલ વિસ્ટા મધ્યે રાજ્યભરમાંથી અંદાજે 5000 જેટલા આરોગ્ય કર્મચારીઓ ઉમટ્યા. ભૂખ હડતાલમાં પતિ-પત્ની, બાળકો સાથે પણ કર્મચારીઓ જોડાયા.

બે દિવસથી ભૂખ હડતાલના ભાગરૂપે રાત્રી રોકાણ ગાંધીનગર મધ્યે જ કરવાનો એક સૂર કર્મચારીઓમાં કરવામાં આવ્યો હતો. રાજ્યના પંચાયતના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલના 45માં દિવસે ભૂખ હડતાલમાં કર્મચારીઓ પોતાના નાના બાળકો સહિત જોડાયા હતા. ઉપરાંત પતિ-પત્ની પણ હડતાલમાં જોડાયા જેને પરિણામે અન્ય કર્મચારીઓને પણ હડતાલમાં જોડાવવા માટે એક પ્રેરણારૂપ આ કર્મચારીઓ બન્યા હતા.

મોરબી જિલ્લાના ખાખરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હિનાબેન લશ્કરી ભૂખ હડતાલમાં પતિ સહિત તેમની સાત મહિનાની દિકરી પેની સાથે જોડાયા હતા. ધાવણ લેતી હોવાથી દિકરીને સાથે લાવ્યા તેમજ તેના માટે ઘોડિયું પણ સાથે લઇ આવ્યા હતા. અન્ય કર્મચારીઓને પ્રેરણા મળે તે માટે અને પોતાના બાળકો માટે ભૂખ હડતાલમાં જોડાયા હોવાનું જણાવ્યું છે.

ખેડા જિલ્લાના વાસણા પીએસસીમાં નોકરી કરતા મનીષાબેન કુશવાહા પોતાની સાત મહિનાની દિકરી સાથે આંદોલનમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું છે કે જો સગર્ભા અને બાળકોવાળા કર્મચારીઓ લડત આંદોલનમાં નહી આવે તો અન્ય કર્મચારીઓને કેવી રીતે પ્રેરણા મળશે. દાહોદ જિલ્લાના ડુંગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા કામિનીબેન સુવેરા પોતાની સાત મહિનાની દિકરી સાથે આંદોલનમાં આવ્યા હતા. તેઓએ પોતાની ફરજ અને હક્ક માટે લડત આંદોલનમાં આવવું જ જોઇએ. ટેકનિકલ તરીકે નહી સ્વિકારે ત્યાં સુધી અહિંયા જ રોકાઇશું તેમ જણાવ્યું છે. સાસુ-સસરા વતનમાં હોવાથી બાળકીને સાથે લઇને આવવાની ફરજ પડી છે.