મહેસાણામાં ભાજપના કોર્પોરેટરના ગોડાઉનમાં ચોરે સફાયો કર્યો

મહેસાણા નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપના દંડક અને બિલ્ડર વિનોદભાઇ પ્રજાપતિના નાગલપુર કોલેજ પાછળ આવેલા ગોડાઉનમાંથી સેન્ટિંગનો લોખંડની પટ્ટીઓ સહિતનો 400 કિલો જેટલો સામાન ચોરી કરાયો છે. આ સામાનને ચોરી કરી લઇ જતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ગોડાઉનમાં થયેલી ચોરી વિશે તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે.

નાગલપુર નજીક પૂનમપાર્કમાં રહેતા નગરપાલિકાના કોર્પોરેટર વિનોદભાઇ શિવરામભાઇ પ્રજાપતિએ પોલીસ સ્ટેશનમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, નાગલપુર કોલેજ પાછળ અંબાજી મંદિર નજીક તેમના ગોડાઉનમાં સેન્ટિંગનો સામાન ભરેલો છે. જેમાં બપોરના સમયે અજાણ્યો ઈસમ ગોડાઉનના ગેટ ઉપર ચઢી અંદરથી લોખંડની પટ્ટીઓ અને સકંજા આશરે 400 કિલો રૂ.15 હજારનો સામાનની ચોરી કરી ગયો છે. ગોડાઉન સામે લગાવેલા સીસીટીવી કેમેરામાં એક ઈસમ સામાન કાઢી લઇ જતો જોવા મળે છે. આ ફૂટેજ આધારે તપાસ કરવા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.