સુરતના પુણામાં ઇલેક્ટ્રિક બાઇકના શો-રૂમમાં આગ ભભૂકતા 10 સ્કૂટર બળીને થયા ખાખ


સુરતના પુણા વિસ્તારમાં આવેલા ઇ-બાઈક શો-રૂમમાં આજે અચાનક આગ લાગી હતી. આગને કારણે શો-રૂમમાં રહેલી 10થી વધુ ઈલેક્ટ્રીક સ્કૂટર બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતના પુણા વિસ્તારના આઈ માતા રોડ પર આવેલા જે. કે. નગર પાસે એક ઈ-બાઈક શો-રૂમમાં આજે વહેલી સવારે આગ ભભૂકી હતી. વહેલી સવારે દુકાન બંધ હતી, ત્યારે અચાનક શો-રૂમમાં આગ લાગી હતી. બંધ દુકાનમાં આગ લાગતા શો-રૂમમાં રહેલી અંદાજીત 10 જેટલા ઈલેક્ટ્રીક સ્કૂટર બળીને ખાખ થયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે વહેલી સવારે અને બંધ શોરૂમ હોવાથી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરની પાંચ ગાડીઓ સાથેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતી.
ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, આગનો કોલ મળતા જ તાત્કાલિક પહોંચી ગયા હતા. આગ તો કાબૂમાં લઈ લીધી, પણ આગ કયા કારણોસર લાગી તેની પાછળનું ચોક્કસ કારણ નથી જાણી શકાયુ. ઇલેક્ટ્રિક બાઈકનો શો-રૂમ છે એટલે ચાર્જિંગના પોઇન્ટમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ અંગે આગળ તપાસ કરી ચોક્કસ રિપોર્ટ તૈયાર કરી મોકલવામાં આવશે.