આર.ટી.ઓ. એજન્ટ સહિત બે શખ્સ રૂ.5.28 લાખના દારૂ સાથે ઝડપાયા

image-238

શહેરના નવા થોરાળા-2માં બે મકાન વચ્ચેના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂનું કટિંગ થઇ રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે મોડી રાતે દરોડો પાડ્યો હતો. આરોપીઓ ભાગી ન છૂટે તે માટે પોલીસે તકેદારી પૂર્વક ત્રાટકી હતી. ત્યાંથી બે ઈસમ મળી આવ્યા હતા. તેમની પાસે વિદેશી દારૂની પેટીઓ જોવા મળી હતી.

સકંજામાં લીધેલા બંને ઈસમની પૂછપરછ કરતા નવા થોરાળા, રામનગર સોસાયટી-10માં રહેતો અને આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો શબ્બીર ઉર્ફે બોદુ સતાર ઓડિયા અને બીજો શિયાણી સોસાયટીમાં રહેતો રિક્ષાચાલક તૌફિક જાવિદ કાસમાણી હોવાનું જણાવ્યું હતું.પોલીસે ખુલ્લા પ્લોટમાં પડેલી વિદેશી દારૂની પેટીઓની તપાસ કરતા વિદેશી દારૂની 750 એમએલની 756 બોટલ તેમજ 180 એમએલના 2256 ચપલા મળ્યા હતા. પોલીસે કુલ રૂ.5.28 લાખનો વિદેશી દારૂ, એક મોબાઇલ તેમજ વિદેશી દારૂ લેવા આવેલા તૌફિકની ઓટો રિક્ષા મળી કુલ રૂ.5.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની અટક કરી છે.