બારિયામાં કન્યા શાળા પાસે કારની અડફેટે આવી જતાં આધેડનું મોત


દેવગઢ બારિયામાં કન્યા શાળા પાસે રોડ ઉપર પગપાડા જતાં વ્યક્તિને કારે અડફેટે લેતા માથામાં ગંભીર ઇજાઓ પહોચતા મોત થયું હતું. અકસ્માત કરી કાર લઇ ફરાર થયેલા ચાલક સામે દેવગઢ બારિયા પોલીસે ગુનો નોંધ્યો હતો.
દેવગઢ બારિયા તાલુકાના કાપડી વિસ્તારમાં રહેતા ઇસુફભાઇ રસુલભાઇ કડવા તથા તેમના ભાઇ મજીતભાઇ રસુલભાઇ કડવા દેવગઢ બારિયા બજારમાંથી ઘરે પગપાળા આવી રહ્યા હતા તે દરમિયાન દેવગઢ બારિયા કન્યા શાળા રોડ ઉપર સર્કલ બજાર તરફથી આવતી જીજે-20-એન-5220 નંબરની કારના ચાલકે વાહન પુર પાટે અને બેદરકારીથી હંકારી લાવી મજીતભાઇ કડવાને પાછળથી ટક્કર માંરી રોડ ઉપર પાડી અકસ્માત કરી ગાડી લઇ ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં મજીતભાઇ કડવાને માથામાં ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત પગલે ત્યાંથી પસાર થતા લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઇજાગ્રસ્ત મજીતભાઇને દેવગઢ બારિયા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે મજીદભાઇને મૃત જાહેર કર્યા હતા.