સિવિલમાંથી ભાગેલો ચોરીનો આરોપી સ્મીમેરમાંથી પકડાયો


લિંબાયતમાં ચોરીકેસમાં પકડાયેલા અને લાજપોર જેલમાં કેદ આરોપી સદામ હુસૈન પહેલવાન અંશારી (29)ને શનિવારે સારવાર અર્થે પોલીસ નવી સિવિલ લાવી હતી. તેને ડાયાબિટીસ હોવાથી ડોક્ટરોએ પ્રાથમિક તપાસ કરીને પ્રિઝનર વોર્ડમાં દાખલ કર્યો હતો.
આ દરમિયાન તેની તબિયત લથડતાં તેને પ્રિઝનર વોર્ડમાંથી એમઆઇસીયુ વોર્ડમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી રવિવારે બપોરે હુસૈન પોલીસને ચકમો આપીને પલાયન થઇ ગયો હતો. જાપ્તાની પોલીસે સિવિલ કેમ્પસમાં ઉપરાંત હોસ્પિટલની આજુ બાજુ તપાસ કરી હતી.
જોકે આરોપી મળ્યો ન હતો. જેથી સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં આ બાબતે જાણ કરાઈ હતી. હોસ્પિટલથી ભાગીને હુસૈન સ્મીમેર હોસ્પિટલ પહોંચી ગયો હતો જ્યાંથી પોલીસે તેને પાછો પકડીને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.