કારમાંથી રૂ.3.53 લાખના 40 મોબાઇલ ફોનની ચોરી
 
                copy image

ગાંધીધામમાં શો-રૂમ સામે જ પાર્ક કરેલી કારમાંથી ચોરો રૂ.3.53 લાખની કિંમતના 40 મોબાઇલ ચોરી કરી ગયા હોવાની મોબાઇલના વેપારીએ, તો આદિપુર બસ સ્ટેશનમાં બસમાં ચડતી વખતે ભીડમાં શાળાના ક્લાર્કનો મોબાઇલ ચોરી થયો હોવાની તેમણે કરેલ E – FIR બાદ ફરિયાદ નોંધાઇ હતી. અંતરજાળની ઓમ રેસિડેન્સીમાં રહેતા અને ગાંધીધામમાં વેન હુસેન શોરૂમ સામે સાંઇનાથ નામે મોબાઇલની દુકાન ધરાવતા મનોજભાઇ શિવનદાસ પીદવાણીએ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાત્રે જત વખતે દુકાનમાંથી બધો મુદ્દામાલ ઘરે લઇ જતા હોય છે અને સવારે પરત લઇ આવતા હોય છે.
આ ઘટના સવારે સાડા દશ વાગ્યાના અરસામાં બની હતી. જેમાં તોએ પોતાની કારમાં મોબાઇલ ભરેલા કાર્ટૂન લઇને દુકાને આવ્યા હતા. તેમની પાસે નોકરી કરતો અવિનાશ મનોહરલાલ માયદાસાણી પણ પહોંચી આવ્યો હતો. કારમાંથી એક કાર્ટુન લઇ તેઓ દુકાનમાં ગયા બાદ બીજું કાર્ટુન લેવા અવિનાશ નામક યુવક ગયો ત્યારે ગાડીનો દરવાજો ખુલ્લો હતો અવિનાશે તેમને જાણ કરતાં તેઓએ આવીને જોયું તો આગળની સીટ પર રાખેલો કાળા કલરનો થેલો ગૂમ હતો જેમાં રૂ.3,53,000 ની કિંમતના અલગ અલગ કંપનીના 40 મોબાઇલ હતા.
તેમણે આસપાસ તપાસ કરી પરંતુ કશું હાથ ન લાગતાં ચોરી બાબતે તેમણે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચોરી થયેલા મોબાઇલના EMI નંબર રજિસ્ટરમાંથી મેળવતાં આ ફરિયાદ મોડી નોંધાઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. PSI રામદેવસિંહ ઝાલા તપાસ કરી રહ્યા છે. ભુજના શિવકૃપાનગરમાં રહેતા અને શિણાય માધ્યમિક શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા 53 વર્ષીય રાજેન્દ્ર તુલજાશંકર પંડ્યા તા.21/9 ના બપોરે એક વાગ્યાના અરસામાં શાળાથી આદિપુર બસ સ્ટેશન ભુજ જવા માટે આવ્યા હતા.
રાધનપુર-નારાયણસરોવર બસ આવતાં તેઓ તેમાં ચડી ગયા બાદ સીટ ઉપર બેઠા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે તેમનો મોબાઇલ ગૂમ હતો. તેઓ બસમાં ચડી રહ્યા હતા ત્યારે ભીડ હતી એટલે ખ્યાલ ન રહ્યો હોવાનું જણાવી તેમણે તા.25/9 ના રોજ E – FIR કરી હતી. જે બાબતે આદિપુર પોલીસે તેમનો સંપર્ક કરી બસમાં ચડતી વખતે તેમનો રૂ.12,000 ની કિંમતનો મોબાઇલ ચોરી થયો હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગા઼ધીધામ અને આદિપુર સંકુલમાં તસ્કરો બેરોકટોક ચોરીઓને અંજામ આપી રહ્યા છે ત્યારે આ તસ્કર ટોળકીને પકડી કડક સજા કરવામાં આવે તો હાશકારો થાય તેવી ચર્ચા પણ થઇ રહી છે.
 
                                         
                                        