કચ્છમાં હજુ શાસક-વિપક્ષના IT સેલે ગજું નથી કાઢ્યું

છેલ્લા પાંચ સાત વર્ષોથી દરેક રાજકીય પક્ષોએ પોતપોતાના IT સેલને રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાએ સારા એવા સક્રીય રાખ્યા છે પરંતુ, કચ્છમાં જિલ્લા કક્ષાએ હજુ ગજું કાઢ્યું નથી, જેથી માધ્યમો સમક્ષ અપાતા નિવેદનો ઉપર ટિકા ટિપ્પણી સાથેની ક્લિપો વાયરલ થતી જોવા મળતી નથી.

જોકે, કોઈ રાષ્ટ્રીય કે પ્રદેશ કક્ષાના કચ્છ જિલ્લાની મુલાકાતે આવે તો દરેક પક્ષના IT સેલ સક્રીય થઈ જતા હોય છે અને તક ઝડપી હરિફ પક્ષને મજાકનો વિષય બનાવી લેતા હોય છે, જેમાં છેલ્લે અરવિંદ કેજરીવાલ ભુજ આવ્યા ત્યારે તેમની સમક્ષ શાસક પક્ષ વિરુદ્ધ યુવાનના આક્રોશની ક્લિપ આમ આદમી પાર્ટીએ વાયરલ કર્યા બાદ તરત ભાજપે યુવાનને વ્યવસાયિક અભિનેતા સાબિત કરી દીધો હતો. કચ્છ જિલ્લામાં સ્થાનિક નેતાઓ દ્વારા પત્રકાર પરિષદ બોલાવાય છે, જેમાં કેટલાક સવાલોના જવાબ આપવામાં નબળા પુરવાર થતા હોય છે.

એટલું જ નહીં પણ પ્રવકતાઓ પાસે પણ પૂરતી માહિતી હોતી નથી. જે તક ઝડપીને હરિફ પક્ષને ઉતારી પાડતી ક્લિપો વાયરલ કરવામાં દરેક પક્ષના સ્થાનિક IT સેલ નબળા પુરવાર થઈ રહ્યા છે. ચૂંટણી આવે ત્યારે રાષ્ટ્રીય કે પ્રદેશ કક્ષાના નેતાઓના ભાષણોની ક્લિપો પરસ્પર વાયરલ કરી સંતોષ માની લે છે. પરંતુ, સ્થાનિક નેતાઓના અજ્ઞાન કે નબળા પાસાઓની ક્લિપ વાયરલ કરવામાં નથી આવતી. હાલ સોશિયલ મીડિયાના યુગમાં એ રીતે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય પક્ષોના IT સેલ બિલકુલ ઉદાસ કે નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે.