ટ્રાન્સપોર્ટ કંપનીના ખાતામાંથી રૂ.29.46 લાખ RTGS થી ઉપાડનાર બે ઇસમો ઝડપાયા


ગાંધીધામ સ્થિત હરિશ ટ્રાન્સપોર્ટ કંપનીનો નેટ બેંકિંગથી જોડાયેલું બંધ સીમકાર્ડ કોઇપણ રીતે મેળવી લઇ અલગ અલગ ટ્રાન્જેક્શન કરી કંપનીના ખાતામાંથી રૂ.29.46 લાખ ઉપાડી લઇ ઓનલાઇન છેતરપિંડી કરાઇ હોવાની ઘટનામાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઓનલાઇન ઠગાઇ કરનાર આરોપીઓનું પગેરૂં મેળવી છેક રાજસ્થાન જઇ બે આરોપીઓને પકડી લઇ સરાહનિય કાર્યવાહી કરી.
આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, હરિશ ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સંતોષ વિશનદાસ પંજવાણીએ તા.29/8 જ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની કંપનીના ઉપયોગમાં લેવાતા નેટ બેંકિંગ સાથે જોડાયેલું મોબાઇલનું બંધ સીમ કાર્ડ યેન કેન રીતે મેળવી લઇ કોઇ અજાણ્યા ઇસમોએ તેમની કંપનીના બેંક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરી રૂ.29,46,000 ઉપાડી ઓનલાઇન ચિટિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું.
આ ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓનું પગેરૂં મેળવવા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ચક્રો ગતિમાન કર્યા બાદ આ ફ્રોડ કરનાર આરોપી રાજસ્થાનના ભીલવારા હોવાનું જાણવા મળતાં ASI સિધ્ધરાજસિંહ અશોકસિંહ ઝાલા, હેડકોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ રવુભા જાડેજા, વિજયભાઇ માલોતરિયા, કોન્સ્ટેબલ સુરેશભાઇ સોલંકી રાજસ્થાનના ભીલવારા પહોંચ્યા હતા અને બે ટીમ બનાવી આરોપીઓનો પત્તો મેળવી આ ઓનલાઇન ઠગાઇ કરનાર આરોપીઓ વિક્રમસિંહ જીતેન્દ્રસિંહ ભાટી અને નરેન્દ્રસિંહ છોટુસિંહ રાવતને પકડી લઇ ગાંધીધામ લઇ આવ્યા હતા અને કાયદેસર કાર્યવાહી કરી.