જ્યાં મિલકત હતી જ નહિ ત્યાં દુકાન વેચાણના નામે છેતરપિંડી કરી 4.5 લાખ પડાવ્યા

મહાનગરપાલિકાના શોપીંગ સેન્ટરમાં દુકાન અપાવવાના બહાને  પિતા-પુત્રએ પરવત પાટીયા વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓ પાસેથી 4.5 લાખ રૂપિયા પડાવી છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે. પિતા-પુત્રએ જ્યાં મહાનગરપાલિકાની મિલ્કત હયાત ન હોવા છતાં બોગસ કબજા સહિતનો વેચાણ કરાર અને પાવર ઓફ એટર્ની બનાવી આપી દુકાન જયારે બનશે ત્યારે મળશે તેવુ કહી છેતરપીંડી કરી. પિતા-પુત્રની છેતરપિંડીનો ભોગ બનેલા બંને વ્યક્તિએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પુણા પોલીસે પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પુણા પોલીસથી મળેલી માહિતી અનુસાર પરવત પાટીયા હળપતિ વાસમાં રહેતા અને શીવરામ ટેલરના નામે ટેલરની દુકાન ચલાવતા 51 વર્ષીય ચંદ્રબહાદુર રામબરન પ્રજાપતિઅને સુર્યપ્રકાશ ઉર્ફે પપ્પુ પાસેથી ડિંડોલી ખરવાસા રોડ સણીયા કણદે ગુમાનસિંહ રો હાઉસમાં રહેતા રમણ ઉર્ફે રમેશ ગોરધન પરમાર, તેના પુત્ર ગૌરવ અને સચીન પરમારે વર્ષ 2017માં મે મહિનામાં કરંજ વિસ્તારમાં ટી.પી.સ્કીમ નંબર-03 ફાયનલ પ્લોટ નં-84 વાળી જગ્યામાં સુરત મહાનગરપાલિકા દ્વારા શોપીંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન અપાવવાના બહાને બંને પાસેથી રૂપિયા 2.25 લાખ મળી કુલ રૂ.4.5 લાખ પડાવ્યા હતા. જોકે ખરેખર તે જગ્યાએ પાલિકાની કોઈ મિલ્કત હયાત હતી જ નહિ.

તેમ છતાં આ મિલકના નામે પિતા-પુત્રોએ બંને જણાને મિલ્કતનો બોગસ કબજા સહિતનો વેચાણ કરાર અને પાવર ઓફ એટર્ની બનાવી આપ્યા હતા. તેમજ જયારે દુકાનો બનશે ત્યારે કબજો મળશે તેવું કહ્યું હતુ. જોકે લાંબો સમય પછી પણ દુકાન ન મળતા છેવટે ચંદ્રબહાદુ૨ અને સુર્યપ્રકાશે તેમના પૈસા પાછા માંગ્યા હતા. જોકે પિતા-પુત્રોએ પૈસા આપવાની ના પાડી હતી. અંતે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા રવિવારે બંનેએ ફરીયાદ દાખલ કરાવી હતી. ઘટના અંગે પોલીસે ચંદ્રબહાદુ૨ પ્રજાપતિની ફરિયાદના આધારે પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.