ભુજના બસ સ્ટેશનમાં બરોઇના આધેડના ખિસ્સામાંથી રૂ. 1 લાખ ચોરાયા


ભુજના બસ સ્ટેશનમાં મુદ્રાની બસમાં ચડતી વખતે ભીડનો લાભ લઈને કોઈક ઇસમે બરોઇના આધેડના પેન્ટના ખિસ્સામાં 1 લાખ રૂપિયા સાથેની પ્લાસ્ટિકની થેલી સેરવીને પલાયન થઇ જતા ચકચાર મચી ગઇ. મુંદ્રાના બારોઈમાં રહેતાં કાસમ હુસેન ચાકી (ઉ.વ.53)એ એ- ડિવિઝન પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, બનાવ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ભુજ ST બસ સ્ટેશનમાં બન્યો હતો. ભુજમાં મોટા પી૨ રોડ પ૨ મુસ્તફાનગરમાં તેમનું મકાન છે તેના સોદા માટે સવારે ભુજ આવ્યા હતા. અને સોદા પેટે મળેલા ટોકનના રૂપિયા એક લાખ પ્લાસ્ટિકની થેલીમાં રાખી ખિસ્સામાં મૂક્યાં હતા.
બપોરે મુંદ્રા જતી બસમાં ચડતી વખતે ભારે ધક્કામુક્કી થઈ હતી. તે દરમિયાન ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો ઈસમ તેમના ખિસ્સામાંથી 1 લાખ રૂપિયા ભરેલી પ્લાસ્ટિકની થેલી કાઢીને રફુચક્કર થઈ ગયો હતો. બસમાં બેઠાં બાદ તપાસ કરતાં રૂપિયા ચોરાઈ ગયા હોવાની જાણ થતાં ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.