નાના કપાયાની સોસાયટીના બે મકાનમાં ચોરોએ 13.50 લાખનું ખાતર પાડ્યું

copy image

મુન્દ્રાના પરા સમાન નાના કપાયા સ્થિત ગણાતી સદગુરુ સોસાયટી મધ્યે ચોરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ બે મકાનમાંથી રોકડ અને દાગીના સમેત કુલ્લ રૂપિયા 13,50,500ની ચોરી કરી હતી લોકોમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ દફતરેથી ભોગગ્રસ્ત રોહિત સુરજપ્રકાશ બગા (ઉ.વ.50 રહે. સદગુરુ સોસાયટી – નાના કપાયા મૂળ હરિયાણા )ની ફરિયાદ ને ટાંકી ને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ 26/9 ની સાંજે 7.45 વાગ્યા આસપાસ બન્યો હતો. જેમાં કોઈ અજાણ્યા ઈસમો સંકુલ ના મકાન નં 51 અને 54 ના સેન્ટ્રલ લોક તોડી અંદર પ્રવેશ્યા હતા.

એકમાંથી રૂપિયા 5.47.500 ના સોના ચાંદીના દાગીના તથા 5.75 લાખ રોકડ તથા બીજા મકાનમાંથી રૂપિયા 1 લાખ 25 હજારના આભૂષણો તેમજ 90 હજાર રોકડ મળી બંન્ને મકાનોમાંથી કૂલ્લ રૂપિયા 13,50,500 ની માલમતાની ચોરી કરી ગયા હતા. સમગ્ર બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

બનાવને અનુલક્ષીને મુન્દ્રા પોલીસે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી PI હાર્દિક ત્રિવેદીએ ઘટના સંબધિત તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે મુન્દ્રા સાડાઉ અને નાના કપાયા ખાતે સૂચિત સંકુલ આધુનિક આવાસોની શ્રેણીમાં આવે છે. જ્યાં સુરક્ષાકર્મીઓ ઉપરાંત CCTV કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે જડબેસલાક વ્યવસ્થાને ભેદીને ઉઠાવગીરોએ પોલીસને પડકારી છે.