આગળ ડ્રગ્સનું ચેકિંગ ચાલે છે તેમ કહી વૃદ્ધ વેપારીના રૂ.1.75 લાખના દાગીના પડાવ્યા

copy image

નડિયાદ શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશન થી અડધો કિમી દૂર 70 વર્ષીય વૃદ્ધ સાથે છેતરપિંડીની બનાવ બન્યો છે. ડ્રગ્સનું ચેકિંગ ચાલે છે, તમને ખબર નથી, આ સોનાની ચેન અને વીંટી ઉતારી નાખો, તેમ કહી બે સખ્શે વૃદ્ધે ઉતારેલા રૂા.1.75 લાખના સોનાના ઘરેણા તફડાવી પલાયન થઈ ગયા હતા. નડિયાદના અશોકભાઈ પંજાબી (ઉ.વ.70) અમદાવાદમાં સાડીનો વ્યવસાય કરે છે.

સોમવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ તેઓ માઈ મંદિરે દર્શન કરવા જતા હતા તે દરમિયાન લાલવાણી સ્ટોર્સ પાસે ઉભેલા બે અજાણ્યા સખ્શોએ તેમને રોક્યા હતા. પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અહીં ડ્રગ્સનું ચેકિંગ ચાલે છે, તમને ખબર નથી, તમે પહેરેલી સોનાની વીંટીઓ અને ચેઈન ઉતારી નાખો તેમ કહી હાથ ચાલાકીથી રૂા.1.75 લાખના સોનાના ઘરેણા લઈ સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. પીઆઇ વેકરિયાએ જણાવ્યું હતું કે અશોકભાઈને સીસીટીવી ફુટેજ બતાવ્યા પરંતુ તેઓની ઉંમર વધારે હોવાથી તેઓને તે સખ્શ કેવા હતા, તે યાદ નથી. અમે તપાસ કરી રહ્યાં છે.