મહેસૂલી દરજ્જો આપવા બન્નીના 48 ગામ માટેનો મુદ્દો ગાંધીનગર પહોંચ્યો

copy image

એશિયાના સૌથી શ્રેષ્ઠ ઘાસિયા મેદાન એવા બન્ની વિસ્તારના 48 ગામોને મહેસૂલી દરજ્જો આપવાની જાહેરાત 2015માં થયા પછી આ મુદ્દો ત્યારબાદ જાણે હવામાં જ ઊડી ગયો હોય તેમ આજદિવસ સુધી સરકાર દ્વારા કોઇ ગતિવિધિ ન કરાતાં સ્થાનિક પ્રતિનિધિ મંડળે ગાંધીનગર જઇ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને આ સવાલ ફરી ઉઠાવ્યો છે.

બન્ની વિસ્તારના જમીન મહેસૂલ કાયદા અંગે વિધાનસભાના અધ્યક્ષા ડૉ.નિમાબેન આચાર્યની આગેવાનીમાં સી.આર.પાટીલ અને કિરીટસિંહ રાણાની મુલાકાત લઈ ઉચ્ચ અધિકારીઓ સાથે બન્ની વિસ્તારના પ્રતિનિધિઓએ બેઠક કરી, જેમાં આગામી ટૂંક સમયમાં બન્ની વિસ્તારના ગામોને મહેસૂલી ગામનો દરજ્જો આપવા રજૂઆત કરાઈ હતી.

અહી એ પણ નોંધવું રહ્યું કે, વર્ષ 2015માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા બન્નીને મહેસૂલી દરજ્જો આપવાની જાહેરાત કરવામાં હતી, જે અંતર્ગત ભુજ તાલુકાની 19 જેટલી ગ્રામપંચાયતો અને નાના મોટા 48 જેટલા ગામોને મહેસૂલી કાયદા હેઠળ સમાવેશ કરવા કલેકટર કચેરી મારફતે સરવેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જેથી આગામી ટૂંક સમયમાં આ ગામોને મહેસૂલી દરજ્જો મળે અને બધા ગામોને સીમતળ, ગૌચર સહિત 6 થી 8 કિલોમીટરની હદ મળે તેવી માંગણી બન્ની વિસ્તારના જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત સરપંચો દ્વારા ગાંધીનગર મધ્યેની બેઠકમાં કરવામાં આવી હતી. એ પણ નોંધવું રહ્યું વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે સરકારી કર્મીઓ, કિસાનો, માલધારીઓ સરકારનું નાક દબાવે છે ત્યારે ફરી બન્નીનો સવાલ ઉઠ્યો છે.