બીલીમોરામાં દવાના પાર્સલ લેવા આવેલી વાનમાં આગ લાગી

copy image

બીલીમોરા સ્ટેશન જવાહર માર્ગ પર ગાંધી સદન સામે અચાનક કાર સળગી ઉઠી. જેમાં અનાવલમાં ક્રિષ્ણા મેડિકલ એજન્સી ચલાવતા મહાદેવભાઈ પાટીલની મારૂતિ વાન (નં. જીજે-5-એજી-5331)ના ચાલક સુનિલ નાયકા બીલીમોરામાં દવાના પાર્સલ લેવા આવ્યા હતા.તેઓ પાર્સલ લઈ પાછા અનાવલ જઈ રહ્યાં હતા.

તેઓ સ્ટેશન જવાહર માર્ગ પર ગાંધી સદન સામે પહોંચતા તેમને કારમાંથી ધુમાડો નીકળતો દેખાતા ચાલક સુનિલભાઈ અને તેમના સાથે આવેલ એક મહિલા ત્વરિતપણે કારમાંથી નીચે ઉતરી ગયા અને કારમાંથી દવાના બોક્સ પણ આસપાસના લોકો સાથે મળી ઉતારી લેવાયા હતા. કારમાંથી ધુમાડો નીકળતો જ રહ્યો હતો.

જ્યા આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા. જેમણે ગાડી પર પાણીનો મારો ચલાવ્યો પરંતુ ધુમાડો નીકળવાનો ચાલુ જ હતો. તે દરમિયાન નજીકની એક દુકાનમાંથી એક ભાઈ ફાયર એક્સટીગ્યુશર લાવી તેનો મારો ચલાવતા ધુમાડો થોડો ઓછો થયો. જ્યાં ફાયર ફાયટર પણ આવી જતા પાણીનો મારો ચલાવવામાં આવતા આગ કાબૂમાં આવી હતી. સીએનજી ગાડી હોવાથી આગ રોકાઈ ન હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. જોકે સમય રહેતા આગ કાબુમાં આવતા લોકોએ રાહત અનુભવી હતી.