મેઘપર-કું.માં કામે રાખેલા ઈસમએ અન્ય મજુરની હત્યા કરવાનો પ્રયાસ કર્યો

અંજાર તાલુકાના મેઘપર-કું.માં અઠવાડિયા પહેલા જ કામ પર રાખવામાં આવેલા ઇસમે તેની સાથે મજુરી કામ કરતા વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે ઘટનાને અંજામ આપ્યા પછી તે ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે.

આ વિશે અંજાર પોલીસ મથકેથી મેઘપર-કું.માં રહેતા અને લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા નંદલાલ સોહન પ્રસાદ (ગોડ)ની ફરિયાદને નજરે રાખીને મળતી માહિતી અનુસાર મેઘપર-કું.ના સર્વે નં. 142/1ના પ્લોટ નં. 7 પર ડમ્પ સાઈટ છે ત્યાં ફરિયાદીએ અઠવાડિયા પૂર્વે જ રીઝવાન નામના આરોપીને મજુરી કામે રાખ્યો હતો. આ સાઈટ પર છેલ્લા એકાદ વર્ષથી મૂળ યુ.પી.નો પ્રમોદકુમાર ઉર્ફે જંગી ચૌહાણ પણ મજુરી કરતો હતો. આ બંને મજુરો ત્યાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આરોપી રીઝવાને પ્રમોદકુમાર પર હત્યા કરવાના ઈરાદાથી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

જેથી તેને ડાબા પડખે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને પ્રથમ અંજાર અને ત્યારપછી વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે લઇ જવાયો હતો. આ સમગ્ર ઘટના ડમ્પ સાઈટ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી. જે ફૂટેજ પોલીસે કબ્જે કરી આરોપીની ઓળખ કરાવી ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.