મલિયાધરામાં રાત્રિ દરમિયાન એકસાથે 5 જગ્યાએ તસ્કરીના પ્રયાસ કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો


ચીખલી તાલુકાના મલિયાધરામાં રાત્રિ દરમિયાન ચોરે પ્રાથમિક શાળા સહિત પાંચેક જગ્યાએ ચોરીનો પ્રયત્ન કરતા સ્થાનિકોમાં ભાઇનો માહોલ સર્જાયો હતો. જોકે ચોરને કંઈ હાથ લાગ્યું હતું નહીં. ચીખલી તાલુકાના મલિયાધરાના કુંભાર ફળિયામાં રાત્રે બે ઘરમાં ચોરે કમ્પાઉન્ડ વોલના તાર અને જીઆઇ પાઇપની જાડી કાપી ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં સફળતા મળી હતી નહી. તેમજ અન્ય એક ઘર અને પ્રાથમિક શાળાની સામેની દુકાનને પણ નિશાને તાકયા હતા.
પ્રાથમિક શાળાના કાર્યાલયનું તાળું તોડી કાર્યાલયમાંથી કાગળો, ફાઈલો અને અન્ય ચીજ વસ્તુઓ વેરવિખેર કરી નાખ્યું હતું પણ કંઈ હાથ લાગ્યું હતું નહીં. તસ્કરો પ્રાથમિક શાળામાંથી લેપટોપ લઈ ગયા ન હતા માત્ર લેપટોપની બેગ લઈ ગયા હતા. ઘટના અંગેની જાણ કરવામાં આવતા પ્રાથમિક શાળામાં પોલીસ પણ પહોંચી હતી. પ્રાથમિક શાળામાં રજા હોવાથી ગુરૂવારે શાળા ખુલતા તાળુ તૂટેલી હાલતમાં નજરે પડ્યું હતું. મલિયાધરામાં એક સાથે પાંચ જગ્યાએ ચોરીનો પ્રયત્ન થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટના અંગે પોલીસ ચોપડે કોઈ ફરિયાદ દાખલ થઈ ન હતી.