ઓનલાઈન છેતરપીંડી આચરનાર 4 આરોપીને પોલીસ આસામ- કોલકતાથી ઝડપી લાવી

copy image

કચ્છમાં મહિના પૂર્વે સાયબર ક્રાઈમની બનેલી ઘટનામાં ફરિયાદીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી 29,46,000 જેટલી જંગી રકમ ઉપડી ગઈ હતી અને અલગ અલગ ત્રણેક ખાતાઓમાં ટ્રાન્સફર થયા હતા. આ કેસની તપાસમાં ઉંડા ઉતરીને પુર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે બે થી ત્રણ દિવસ સુધી બે રાજ્યોમાં એક બાદ એક મળતી લીડને ફોલોઅપ કરીને 4 આરોપીને ઝડપી લઈને ગાંધીધામ લઈ આવવામાં સફળ રહી હતી.

પુર્વ કચ્છમાં થયેલા કેસના આરોપીઓને ફરિયાદીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 29.46 લાખ રુપીયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા થયેલા હતા. જેમાંથી ત્રણ બેંક એકાઉન્ટ રાજસ્થાનના ભીલવારા જિલ્લાના આઈસીઆઈસીઆઈ બેંકમાં એકાઉન્ટ હોવાની માહિતીના આધારે, તપાસ કરતા તેના બધા એકાઉન્ટ કોલકાતા તથા આસામ કુરિયર દ્વારા મોકલેલા હોવાનું સામે આવ્યું હતું. રાજસ્થાન સહિત જુદા જુદા ત્રણ રાજ્યમાં તપાસનો દોર ચલાવીને આ કેસના આરોપીઓ પુલોકેશ રણજીતભાઈ મંડલ (ઉ.વ.26) (રહે. કોલકતા, પશ્ચિમ બંગાળ), શ્રીબાસ કાંતિ અમલેન્દુ બિકાશ (રહે. કચર, આસામ), સિન્ટુ જ્યોત્સના નાગ (રહે. ધનબાદ, ઝારખંડ), અભિશેકસીંગ અશોકકુમાર સીંગ (રહે. હાલ કોલકતા, મુળ ગાંધીનગર) ને ઝડપી પાડ્યા હતા.

આ કામગીરીમાં ઈન્ચાર્જ પીઆઈ સી.ટી. દેસાઈ તેમજ સાયબર ક્રાઈમ પોલીસના એએસઆઈ સિદ્ધરાજસિંહ અશોકસિંહ ઝાલા, હે. કો. દિવ્યરાજસિંહ રવુભા જાડેજા, વિજયભાઈ નાનજીભાઈ માલોતરીયા, વિક્રમસિંહ નટુભાઅ જાડેજા, અનીલ રતનજીભાઈ વળાગોટ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી.

પૂર્વે રાજસ્થાન રાજ્યમાંથી બે ઝડપાયેલા આરોપી દ્વારા જાણવા મળ્યું કે આ ગુનામાં સંકડાયેલા બીજા આરોપીઓ આસામ અને કોલકતા રાજ્યમાં છે, જેથી સાયબર ક્રાઈમ પોલીસ, પુર્વ કચ્છ દ્વારા એક એક ટીમ આસામ અને કોલકતા રવાના કરવામાં આવી હતી. જેમાં આસામથી એક અને કોલકતા (પશ્ચિમ બંગાળ) થી 3 આરોપી શોધી કાઢી ઝડપી લેવાયા હતા.