માંડવીના નાની ખાખરમાં પોલીસ કુખ્યાત બુટલેગરને પકડવા જતાં આરોપીઓએ મળીને માર મારવાની સાથે બાઈક અને કારમાં નુકસાન પહોચાડ્યું


માંડવી તાલુકાના નાની ખાખર ગામમાં પૂર્વ બાતમીના આધારે કુખ્યાત બુટલેગરનો પીછો કરી ઝડપવા ગયેલી એલસીબી તથા પોલીસ કોન્સ્ટેબલ ઉપર 16થી વધુ આરોપીઓએ હુમલો કરી માર મારવાની સાથે વાહનોમાં નુકશાન પહોંચાડવાની ફટીયાદ માંડવી પોલીસ મથકે દાખલ કરાઇ છે.
માંડવી પોલીસ મથકમાં દાખલ કરેલ ફરિયાદ મુજબ નાની ખાખર ગામનો બુટલેગરો રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જાડેજા પોતાની SUV કાર નંબર GJ12 FD 1896માં દારૂ લઈ ગામમાં છુપાવવાની કોશિશ કરતો હોવાની બાતમી એલસીબીના વાલાભા ગોહિલ અને પ્રદ્યુમ્નસિંહ ગોહિલને મળી હતી. જેના આધારે ખાનગી કાર દ્વારા આરોપીને પકડી પાડવા કારનો પીછો કર્યો અને નાની ખાખર ગામમાં ગત રાત્રીના 10 વાગ્યા પછી આરોપીને ઝડપે તે પહેલાં તેના માણસોએ એલસીબી કારને ઘેરી લીધી હતી.
બીદડા ઓ.પીના કોન્ટેબલ મૂળરાજ ગઢવીએ બીદડા ચોકીમાં હાજર કોન્ટેબલ ગિરીશ ચૌધરીને એલસીબીની મદદ માટે જાણ કરતા તેઓ સરકારી બાઈક પર નાની ખાખર ગામમાં પહોચતા આરોપીની કાર અને એલસીબીની કાર સાથે ટોળે વળેલા લોકો ઉભા હતા. જ્યાં પહોંચતા મુખ્ય આરોપી રઘુભા જાડેજા સાથે અન્ય 25 જેટલા આરોપીઓએ ફરિયાદી ચૌધરીને મૂઢમાંર મારી પહેરેલું ટીશર્ટ ફાડી નાખ્યું અને બાઇકમાં રૂ. 10 હજારનું અને એલસીબીની ખાનગી કારમા રૂ. 20 હજારનું નુકશાન પહોચાડ્યું હતું. બનાવમાં 16 આરોપી સામે નામજોગ અને 10 અજાણ્યા ઇસમો સહિત કુલ 25 સામે ફરિયાદ દાખલ કરાવાઈ છે. આરોપી ત્યારબાદ પલાયન થઈ ગયા હતા.