નરોડામાં રિક્ષા ચાલક સહિત છ ઇસમોની ટોળકીએ યુવકને છરી મારી લૂંટ્યો


અમદાવાદ શહેરના નરોડામાં એક યુવકને છરી મારીને લૂંટી લેવાયો છે. 28 વર્ષીય યુવક નોકરી પૂરી કરીને ઘરે જતો હતો તે દરમિયાન એક ઓટો રિક્ષામાં બેઠો, તેમાં બેઠેલા પાંચ શખ્સો અને ડ્રાઇવરે મળી કુલ છ ઇસમોએ યુવકને માર અને છરી મારી 14 હજાર રોકડ તથા મોબાઇલ સહિતનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. આ વિશે નરોડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
નરોડા વિસ્તારમાં આવેલા મુરલીધર હાઇટ્સમાં સર્વેશ તોમર (ઉ.28) પરિવાર સાથે રહે છે અને ટ્રાવેલ્સ એજન્ટનો ધંધો કરે છે. ગત રાત્રિના નવ વાગ્યે તે ઘરે જવા માટે નીકળ્યો હતો. આ વેળાએ એક ઓટોરિક્ષામાં બેઠો, ત્યાર પછી રિક્ષા ઉભી રાખી હતી અને તેમાં બેઠેલા અન્ય પેસેન્જર અને ચાલકે અન્ય સ્થળ પર ઓટો રિક્ષા લીધી હતી. બાદમાં રસ્તામાં ચાલુ રિક્ષાએ મોબાઇલ ફોન લૂંટી લીધો અને યુવકને ગડદાપાટુનો માર માર્યો હતો. તેની સાથે સાથે ખિસ્સામાંથી 14 હજાર રોકડ મળી ડોક્યુમેન્ટ પણ લઇ લીધા હતા. યુવક વધુ મારથી બચવા માટે ભાગવા જતાં તેમાંના એક ઇસમે તિક્ષ્ણ હથિયારનો ઘા મારી દીધો હતો. યુવકે બુમા બુમ કરતા તમામ ઇસમો પોતાની ઓટો રિક્ષા લઇને નાસી ગયા હતા. આ વિશે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.