સિવિલમાં દર્દીના સગા-સંબંધીને રોકતાં મહિલા સુરક્ષા કર્મી પર હુમલો કરાયો

copy image

સિવિલ હોસ્પિટલમાં એનઆઈસીયુ વોર્ડની બહાર ફરજ બજાવતી એક મહિલા સિક્યુરીટી ગાર્ડ પર દર્દીના સંબંધીઓ દ્વારા સાંજે હુમલો કરવામાં આવ્યો હતો. એનઆઈસીયુમાં અંદર જવા અંગે જીદ કરતા થયેલી બોલાચાલી પછી આ હુમલો કરવામાં આવ્યો હતો. ઝપાઝપી દરમિયાન સંબંધીઓએ એનઆઈસીયુના દરવાજાનો કાચ પણ તોડી નાંખ્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત સિક્યુટીરી ગાર્ડને સારવાર અર્થે દાખલ કરાઈ હતી.

લિંબાયત કમરૂનગર મધ્યે રહેતી નયમાબાનું લતીફ સૈયદ (30) સિક્યુરીટી એજન્સીમાં નોકરી કરે છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં એનઆઈસીયુ વોર્ડ બહાર સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. સાંજે એનઆઈસીયુ વોર્ડમાં અંદર જવા માટે વિષ્ણુ રંજન શાહુએ આગ્રહ કર્યો હતો. જોકે દર્દીના સગાસંબંધીઓને એનઆઈસીયુમા પ્રવેશ આપતા ન હોવાથી મહિલા સિક્યુરીટી ગાર્ડે રોકતા બોલાચાલી થઈ હતી.

ત્યાર પછી વિષ્ણુશાહુએ તેના પુત્ર રાકેશને બોલાવ્યો અને રાકેશ તથા અન્ય યુવકો ત્યાં પહોંચ્યા અને નયમાબાનુ પર હુમલો કરી વોર્ડના ગેટનો કાચ તોડી નાંખ્યો હતો. આ ઘટનામાં નયમાબાનું ઈજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસને થતા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને નયમાબાનુનુ નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. ઘટના વિશે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ખટોદરા પોલીસને ફરીયાદ પણ કરાઈ છે.