ઉધનામાં આર્ટિફિશિયલ કોટન ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતાં બે મશીન બળીને ખાક


ઉધના સોલાપુર કંપાઉન્ડની ગલીમાં આર્ટિફિશિયલ રૂ બનાવવાના કારખાનામાં મશીનમાં આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એક કલાકની જહેમત પછી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હતી નહિ.
ઉધના બીઆરસી રોડ સોલાપુર કંપાઉન્ડની ગલીમાં કેળાની છાલમાંથી આર્ટિફિશિયલ રૂ બનાવવાના કારખાનામાં મોડી રાત્રે કોઈક કારણસર રૂ બનાવવાના મશીનમાં આગ લાગી ગઈ હતી હતી. આગને પગલે કારખાનામાં ધુમાડો ફેલાતા કર્મચારીઓ બહાર દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. એક કલાકની જહેમત પછી ફાયર આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. આગની આ ઘટનામાં આર્ટિફિશિયલ રૂનો જથ્થો તથા બે મશીન બળીને ખાક થઈ ગયા હતા.