જામનગરની યુવતીને સોશિયલ મીડિયામાં બદનામ કરનાર સામે ગુનો નોંધાયો

જામનગરની એક યુવતીને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજમાં બદનામ કરવા માટેની નિમ્ન કક્ષાની પોસ્ટ મૂકનાર છત્તીસગઢમાં રહેતા ઈસમ સામે આઈ.ટી.એકટ મુજબ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. યુવતીનું સગપણ આરોપી સાથે થયા પછી તૂટી ગયું હતું. ત્યારપછી ફરીથી પોતાના સંબંધો ચાલુ રાખવા માટે જુદી જુદી પોસ્ટ મૂકી બદનામ કરવા માટે હેરાન કર્યાનું સામે આવ્યું છે.

આ ફરિયાદ વિશેના બનાવની વિગત એવી છે, કે જામનગરની 29 વર્ષની યુવતી કે જેનું સગપણ પૂર્વે છત્તીસગઢના વતની એવા રણજીતપાલ જગદેવપાલ ગડરીયા સાથે થયું હતું, પરંતુ કોઈ પણ કારણસર બંને વચ્ચેનું સગપણ તૂટી ગયું હતું, અને યુવતીએ સંબંધો તોડી નાખ્યા હતા. પરંતુ પૂર્વ મંગેતર રણજીતપાલ પોતાના સંબંધો ચાલુ રાખવા માંગતો હતો. જેથી વારંવાર તેણીને અને તેના ભાઈને ફોન કરીને પરેશાન કરતો હતો, અને ગાળો પણ બોલતો હતો.તથા પોતાની સાથે સંબંધ ફરીથી નહીં રાખે તો સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકીઓ આપી હતી.

ત્યારબાદ તેણે ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના માધ્યમ પર પૂર્વે સગપણ ના ફોટાઓ ની સાથે અપમાનજનક અને આપતીઓ વાળા લખાણ લખીને ફોટાઓ વાયરલ કર્યા હતા. જેથી યુવતીએ સમગ્ર મામલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ ગઈ હતી.પોલીસે પૂર્વ મંગેતર એવા રણજીતપાલ જગદેવપાલ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.