લીંબડી પાસે પૂરપાટટે જતી એસટી બસમાં અચાનક આગ લાગી ઉઠતાં દોડધામ મચી: મુસાફરોનો આબાદ બચાવ


સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે પેસેન્જરો અને વિદ્યાર્થીઓ ભરેલી એસટી બસમાં ભયાવહ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બસમાં ભભૂકેલી આ ભયાવહ આગની ઘટનામાં બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.આ બસ લીંબડીના નાની કઠેચીથી લીંબડી આવી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. બસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બસમાં લાગેલ આ આગની ઘટનામાં ડ્રાઇવર અને કંડક્ટર સહિત બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો. થોડી પળોમાં જ એસ.ટી બસ બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે હાઇવે પર મુસાફરો સાથેની બસમાં લાગેલી આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે જ સંપૂર્ણપણે એસટી બસ સળગી ઉઠી હતી, પરંતુ સદભાગ્યે આગના બનાવમાં બસમાં સવાર 20થી વધુ પેસેન્જરો અને વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.