રાજુલા નગરપાલિકાની કચરાની ગાડીના ડ્રાઇવરે પગાર ન થતો હોવાના કારણે ફીનાઇલ પી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો

અમરેલી જિલ્લામાં રાજુલા નગરપાલિકાના કચરાની ગાડીના ડ્રાઇવરે પગાર ન થતો હોવાથી ફીનાઇલ પીને આત્મહત્યા કરવાનું પ્રયત્ન કર્યું છે. ડ્રાઇવરે આ પૂર્વે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતાં જણાવ્યું હતું કે, દોઢ માસથી પગાર થતો નથી અને પાલિકા રજૂઆત કરવાં છતાંય કંઇ ઉકેલ આવતું નથી. આ વિશે રાજુલા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજુલા નગરપાલિકા કચરાની ગાડીનો ડ્રાઇવર ઇકબાલ હુસેન ચૌહાણ 42 વર્ષીયએ પ્રથમ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં દોઢ મહિનાથી પગાર થતો નથી અને નગરપાલિકા પ્રમુખને અવાર-નવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવતુ નથી અને જે કોઇ આગળ પગલું ભરાય તેની પાછળ જવાબદાર પાલિકા પ્રમુખને ગણાવી આક્ષેપ કરી વીડિયો વાયરલ કર્યો હતો.

ત્યારપછી આજે ફીનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો છે. અહીં રાજુલા પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતે જાણવા જોગ દાખલ કરવામા આવી છે. રાજુલા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર, નગરપાલિકા પ્રમુખ રમેશ કાતરિયા તથા ચીફ ઓફિસર પાસે પગાર અંગે ઉઘરાણી કરતા પગાર ન આપતા હોવાથી ડ્રાઇવરે તેમના ત્રાસથી ફીનાઇલ પી લીધાની રાજુલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગની નોંધ કરાતા રાજુલા પોલીસે તપાસ હાથ ધરી છે.