ભચાઉના કકરવા પાસેના ચાંગ ડેમમાં ન્હાવા ગયેલા ખેતમજૂરનું ડૂબી જવાના કારણે મૃત્યુ

ભચાઉ તાલુકાના કકરવા ગામ પાસે આવેલા ચાંગ ડેમમાં 25 વર્ષીય ખેતમજૂર યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાનો બનાવ સામે આવ્યો છે. હતભાગી યુવક ગઈકાલ સાંજે ડેમના પાણીમાં ન્હાવા પડ્યો હતો. જે 25-30 ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા આસપાસના લોકોએ તંત્રને જાણ કરતા સ્થાનિક તરવૈયાઓની મદદ વડે શોધખોળ આદરવામાં આવી હતી. જે શોધખોળ સમી સાંજ સુધી ચાલુ રહી હતી. પરંતુ યુવકનો પત્તો લાગ્યો હતો નહિ. આજ સવારે હતભાગી યુવકનો મૃતદેહ પાણીની સપાટી ઉપર તરી આવતા પંચાયત દ્વારા તેનો કબજો લઈ પીએમ અર્થે ભચાઉ સરકારી દવાખાને ખસેડાયો હતો.

આ વિશે મળતી માહિતી અનુસાર કકરવા ગામના દુર્ગમ વિસ્તારમાં આવેલા ચાંગ ડેમ પાસે વાડીમાં ખેત મજૂરનું કામ કરતો 25 વર્ષીય રાજેશ નરશી કોલી ગઈકાલ સાંજના 5 વાગ્યાના અરસામાં ડેમના પાણીમાં ન્હાવા પડ્યો હતો. હતભાગી યુવક મૂળ વામકા ગામનો રહેવાસી છે. 25 ફૂટથી વધુની પાણીની ઊંડાઈની ધરાવતા ડેમમાં તે ડૂબી ગયો. બનાવની જાણ પંચાયતમાં કરવામાં આવતા સરપંચ બચીબેન ભીલ, તલાટી ભરત શામળિયા વગેરે ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકને શોધવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. જોકે રાત્રિના સમય સુધી તે મળી શક્યો હતો નહિ. આ દરમિયાન આજ સવારે તેનો મૃતદેહ પાણીની સપાટી પર જોવા મળતા લોકોની મદદથી તેને બહાર લાવી ભચાઉ સરકારી દવાખાને પીએમ માટે ખસેડાયો હતો.