તલાલામાં રેશનિંગનું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ પકડાયું, 4 લાખથી વધુ અનાજનો જથ્થો કરાયો કબ્જે


તાલાલા ગીર તાલુકાના ગરીબ પરિવાર અને સરકાર માન્ય દુકાનેથી રેશનીંગનો કાર્ડ ઉપર આપવાના ચોખા તથા ઘઉંનો જંગી જથ્થો ચિત્રાવડ ગીર ગામમાં એકત્ર થયો હોવાની અને આ જથ્થો ત્યાંથી બારોબાર સગેવગે થવાની બાતમી એલસીબીના નરેન્દ્ર કછોટને મળી હતી. જેના આધારે એલસીબી સ્ટાફએ બાતમીવાળા સ્થળે રેડ પાડી હતી.
એલ.સી.બી.ના પીઆઈ એ.એસ.ચાવડાએ આપેલ વિગત અનુસાર દરોડાની તપાસ દરમિયાન ચિત્રાવડ ગીર ગામમાં નવા પ્લોટ વિસ્તારમાં રહેતા કાસમ ખમીસા ભાઈના ઘરના ફળિયામાંથી અને બાજુમાં રહેતા ગાલીફ હાજી બ્લોચના ઢાળિયાના ગોડાઉન માંથી 457 બાચકા ચોખા અને 73 ગુણી ઘઉં કુલ 29450 કિલો અનાજનો ખાદ્ય પુરવઠો જપ્ત કર્યો હતો. તેમજ વજન કાંટો એક, ત્રણ મોબાઇલ મળી કુલ રૂ.4 લાખ 63 હજાર 800 નો મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ 41(1)ડી 102 મુજબ જપ્ત કર્યો છે. ઝડપાયેલ ચોખા અને ઘઉંનો જથ્થા ક્યાંથી લઈ આવેલ તેના બિલ અને આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબો ન આપેલ પરંતુ આ માલ અયુબ હુસેન ખાનાણી ઉ.વ.44 રહે.વિઠલપુર તા.તાલાલા ગીર, કાસમ દાઉદ ચોટલીયા ઉ.વ.60 રે.મોણીયા, તા.વિસાવદર, આસિફ જીકર કાળવાતર ઉ.વ.32 રે.મોણીયા, તા.વિસાવદર વાળાએ એકત્ર કર્યા હોવાનું જણાવેલ હતુ.
એલસીબીના રેડ દરમિયાન બનાવના સ્થળે એક ટ્રક, એક બોલેરો ગાડી, સાત છકડો રીક્ષા કુલ નવ વાહનો ખાલી હાલતમાં મળી આવ્યા હતા. એલ.સી.બી બ્રાન્ચે બધા વાહનોની માહિતી એકઠી કરી પકડાયેલ ઘઉં,ચોખા ના જથ્થા સાથે ઉપરોક્ત ત્રણેય ઇસમોની કુલ રૂ.4 લાખ 63 હજાર 800 ના મુદામાલ સાથે સી.આર.પી.સી.કલમ 102 અનુસાર અટકાયત કરી આગળની કાર્યવાહી કરવા તાલાલા પોલીસે કાગળો સુપ્રત કર્યાનું જણાવ્યું છે.
તાલાલા પંથકમાં રમળેચી ગીર ગામેથી થોડા સમય પૂર્વે પણ ગરીબ પરિવારોને કુપન ઉપર આપવાના ઘઉં-ચોખાનો જથ્થો ઝડપાયા પછી ચિત્રાવડ ગીર ગામમાં કુપનના માલનો જંગી જથ્થો ઝડપાતા તાલાલા પંથકમાં ભારે ચકચાર માછી જવા પામી છે.
તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર ગામેથી કુપન ઉપર ગરીબ પરિવારોને આપવાના માલનો ઝડપાયેલ જંગી જથ્થાના આરોપીઓ પૈકી અયુબ હુસેન ખાનાણી ઉ.વ.44 ભાજપ અગ્રણી હોવાનું ખુલ્યું છે. અયુબ ખાનાણી પૂર્વે તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટાયો હતો. હાલ ભાજપ લઘુમતી મોરચામાં ઉપપ્રમુખની જવાબદારી સંભાળે છે. ગરીબોને આપવાના કુપનના માલના કાળા બજાર કરવાની કથિત પ્રવૃત્તિમાં ભાજપ અગ્રણી ની એલ.સી.બી.એ પોલીસે ધરપકડ કરી હોવાના સમાચારથી તાલાલા પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.