કડીમાં યુવક બાઇક પાર્ક કરીને કડિયા કામે ગયો અને પાછળથી ચોર બાઇક ઉઠાવી ગયો

કડી શહેર તથા તાલુકાની અંદર સાયલેન્સર ચોરી, બાઇક ચોરી તથા અનેક ચોરીઓની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડીના દેત્રોજ રોડ ઉપર આવેલા આદ્યપુરૂષના મંદિર નજીક પાર્ક કરેલું બાઈક ચોરાતાં બાઈક માલિકે કડી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

જોટાણા તાલુકાના સુરજ ગામમાં રહેતા કાળુજી ઠાકોર કે જેઓ કડિયાકામ મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે અને તેઓ કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ હરિકૃપા સોસાયટીમાં કડિયાકામ ચાલતું હોય પોતાનું બાઈક નં GJ 2 CF 1936 માલિકીનું લઈને આવ્યા હતા અને હરિકૃપા સોસાયટીના સામે આવેલ આદ્યપુરૂષ મંદીર આગળ પોતાનું બાઈક પાર્ક કર્યું હતું જ્યારે કડિયા કામ પૂરુ કરીને તેઓ સાંજના સમયે પોતાના ગામ સુરજ જવાનું હોવાથી આદ્યપુરૂષ મંદિર નજીક પાર્ક કરેલું બાઈક પાસે જતા પોતાનું બાઈક ન મળી આવ્યું હતું પછી તેઓએ આજુબાજુ તેમજ સગા સંબંધીઓને જાણ કરતા પોતાનું બાઈક ન મળી આવતાં આદ્યપુરૂષ મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં ચેક કરતા એક સખ્શ પોતાનું બાઇક ચોરી કરીને લઈ જતો નજરે પડતાં તેઓ સીસીટીવી ફૂટેજ લઇને કડી પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.